ભરૂચ : કસક ગરનાળાનું જાહેરનામુ રદ, રાજકીય ઇશારો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

Update: 2020-12-20 10:54 GMT

ભરૂચ શહેરના પ્રવેશદ્રાર સમાન કસક ગરનાળા પર હવે રાજકારણ ગરમાય રહયું છે. કસક ગરનાળાને એક મહિના માટે બંધ કરવાનું જાહેરનામું 24 કલાકમાં રદ કરી દેવામાં આવતાં કોંગ્રેસને ભાજપ પર પ્રહાર કરવાનો મોકો મળી ગયો છે.

ભરૂચનું કસક ગરનાળુ ભુતકાળમાં અને વર્તમાનમાં પણ રાજકીય સમારાંગણ સમાન બની રહયું છે. નર્મદા મૈયા બ્રિજની કામગીરી માટે કસક ગરનાળાને સોમવારના રોજથી એક મહિના માટે તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. કસક ગરનાળાને બંધ કરવામાં આવે તો ભુગૃઋષિ બ્રિજ પર ટ્રાફિકજામની સમસ્યા ઉભી થવાની ભિતિ સેવાઇ રહી હતી. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તક્ષેપ બાદ સમગ્ર ઘટનામાં નાટકીય વળાંક આવ્યો હતો. કસક ગરનાળાને બંધ કરવા બાબતે બહાર પાડવામાં આવેલાં જાહેરનામાને 24 કલાકની અંદર જ રદ કરી દેવાયું હતું. આ સંદર્ભમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યું હતું કે, અગાઉ પર ગરનાળાને સમારકામ માટે બંધ કરાયું હતું પણ ભરૂચની પ્રજાએ ક્યારેય તેની સામે વિરોધ નોંધાવ્યો નથી. હાલમાં એક મહિનો ગરનાળુ બંધ રાખવાની વાત આવતા જ ધારાસભ્ય લોકોને હેરાનગતિ થવાનું બહાનું આગળ ધરી રહ્યા છે. એટલું જ નહીં આ બહાને તેમણે ગરનાળુ બંધ ન રહે તે માટે કલેકટર ઉપર દબાણ પણ કર્યું છે. અને એટલેજ ડિઝાઇન ચેન્જ કરવાના બહાને ગરનાળુ બંધ કરવાનું જાહેરનામું પાછું ખેંચાયું છે અને તેની પાછળ આગામી દિવસોમાં આવી રહેલી સ્થાનિક ચુંટણીઓમાં લાભ લેવાનો ભાજપનો આશય છે.

Tags:    

Similar News