ભરૂચ : સરકાર મફત અનાજ આપી રહી છે પણ અટપટી કાર્યવાહીથી લોકોને હાલાકી

Update: 2020-04-02 10:18 GMT

રાજય સરકારે એપીએલ સિવાયના તમામ કાર્ડધારકોને વિનામુલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કર્યો છે પણ કાર્ડમાં મામલતદારના સિકકા માટે દોડધામ થતી હોવાથી ભરૂચમાં રોષે ભરાયેલા કાર્ડધારકોએ મામલતદાર કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો.

લોકડાઉનના સમયમાં એપીએલ સિવાયના તમામ કાર્ડધારકોને વિનામુલ્યે અનાજ તેમજ રેશન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેર તથા જિલ્લાની 500 કરતાં વધારે દુકાનો ખાતે રોજ સવારથી અનાજ મેળવવા માટે કાર્ડધારકોને કતાર લાગી જાય છે. કેટલાક દુકાનધારકો કાર્ડધારકોને તેમના કાર્ડ પર મામલતદારનો સિકકો મરાવી લાવવા માટે જણાવી રહયાં છે. દુકાનદારોના આવા વલણના કારણે રોષ ફેલાયો છે. ભરૂચમાં રોષે ભરાયેલાં કાર્ડધારકોએ મામલતદાર કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચમાં કાર્ડધારકોને સરળતાથી અનાજ મળી રહે તે માટે મામલતદાર રણજીત મકવાણા તથા તેમની ટીમે વિવિધ દુકાનોની મુલાકાત લીધી હતી. ગ્રાહકોને અગવડ ન પડે તે માટે દરેક વોર્ડમાં સહાયતા કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યાં છે. પરંતુ ફીંગર પ્રિન્ટ તથા સિકકા સહિતની અટપટી કાર્યવાહીના કારણે લાઇનોમાં ઉભા રહેવા છતાં અનાજ નહિ મળતાં કાર્ડધારકોમાં આક્રોશ જોવા મળી રહયો છે.

Similar News