અંકલેશ્વર: દઢાલ ગામ નજીક ખાડીમાં ડૂબી જતા 3ના મોત,માતાજીની પ્રતિમાનું વિસર્જન કરતા સમયે સર્જાઈ દુર્ઘટના

અંકલેશ્વરના દઢાલ ગામ નજીક આવેલ ખાડીમાં માતાજીની પ્રતિમાનું વિસર્જન કરી રહેલ મહિલા સહિત કુલ 4 લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા

Update: 2021-10-15 11:15 GMT

અંકલેશ્વરના દઢાલ ગામ નજીક આવેલ ખાડીમાં માતાજીની પ્રતિમાનું વિસર્જન કરી રહેલ મહિલા સહિત કુલ 4 લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જે પૈકી 3 લોકોના કરૂણ મોત નિપજ્યાં હતા

Full View

અંકલેશ્વરમાં દશેરાનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. ખાનગી કંપનીમાં આગ લાગતાં એક વ્યક્તિનું મોત નીપજયું હતું તો બીજી તરફ ખાડીમાં ડૂબી જતાં 3 લોકોના મોત નિપજ્યાં છે.નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના કર્યા બાદ વિજયા દશમીના દિવસે માતાજીની પ્રતિમા અને જવારાનું વિસર્જન કરવામાં આવે છે. આજરોજ દશેરાના પર્વ નિમિત્તે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ શુભલક્ષ્મી સોસાયટીના રહીશો દઢાલ ગામ નજીક આવેલ ખાડીમાં માતાજીની પ્રતિમાનું વિસર્જન કરવા ગયા હતા. આ દરમ્યાન એક મહિલા સહિત 4 લોકો ખાડીના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આસપાસ ઉભેલા લોકોએ બૂમાબૂમ કરતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને પાણીમાં શોધખોળ શરૂ કરી હતી જેમાં સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ 4 લોકોને બહાર કાઢ્યા હતા અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતા જો કે સારવાર દરમ્યાન 3 લોકોના મોત નીપજયાં હતા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી છે.

Tags:    

Similar News