ભરૂચ : પોલીસને મળ્યું હતું ૫ લાખ રૂપિયાનું ઇનામ, ઇનામી રકમનું જે કર્યું તે વાંચી તમે પણ કરશો "સલામ"

ભરૂચ પોલીસે ઇનામની રકમ પોતાની પાસે રાખવાના બદલે મુખ્યમંત્રી રાહતનિધિમાં અનુદાન આપી સરાહનીય કાર્ય કર્યું છે.

Update: 2021-07-16 11:55 GMT

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં અનેક દર્દીઓના જીવ બચાવવા બદલ રાજય સરકારે ભરૂચ પોલીસને ૫ લાખ રૂપિયાનું ઇનામ આપ્યું હતું. ભરૂચ પોલીસે ઇનામની રકમ પોતાની પાસે રાખવાના બદલે મુખ્યમંત્રી રાહતનિધિમાં અનુદાન આપી સરાહનીય કાર્ય કર્યું છે.

ભરૂચની જંબુસર ચોકડી વિસ્તારમાં આવેલી પટેલ વેલ્ફેર હોસ્પિટલનમાં કોવીડના દર્દીઓની સારવાર માટે કોવીડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું. થોડા દિવસો અગાઉ કોવીડ કેર સેન્ટરમાં રાત્રિના સમયે આઇસીયુ વોર્ડમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની ઘટનામાં કોવીડની સારવાર લઇ રહેલાં ૧૬ દર્દીઓ તથા બે સ્ટાફ નર્સ મળી કુલ ૧૮ લોકોના મોત થયાં હતાં. આગ લાગવાની ઘટનામાં હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી સહિત અન્ય જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાય છે અને તેની તપાસ ચાલી રહી છે.

પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં ભરૂચ પોલીસના જવાનોએ તથા સ્થાનિકોએ દોડી આવી આઇસીયુ વોર્ડના બારીના કાચ તોડી અનેક દર્દીઓના જીવ બચાવી લીધાં હતાં. ભરૂચ પોલીસની કામગીરીની રાજય સરકારે પણ નોંધ લીધી હતી. ભરૂચ પોલીસે ૫ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. ભરૂચના એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ તથા અન્ય પોલીસ કર્મચારીઓએ ઇનામની રકમનો સદઉપયોગ કરવાનો નિર્ધાર કર્યો હતો. ઇનામની પાંચ લાખ રૂપિયાની રકમ મુખ્યમંત્રી રાહતનિધિમાં જમા કરાવવામાં આવશે. આમ પટેલ વેલ્ફેર હોસ્પિટલની આગમાં સારી કામગીરી કરનાર ભરુચ પોલીસના સરાહનીય કાર્ય બદલ કનેકટ ગુજરાત પરિવાર ભરૂચના એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા અન્ય પોલીસ કર્મચારીઓને સલામ કરે છે.

Tags:    

Similar News