ભરૂચ : જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે તંત્ર સજ્જ, 37 પરીક્ષા કેન્દ્રો પર 11,400 ઉમેદવારો આપશે પરીક્ષા...

Update: 2023-04-07 16:10 GMT

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજન

જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે વહીવટી તંત્ર બન્યું સજ્જ

કોઈપણ ગેરરીતિ ને પહોચી વળવા અધિકારીઓ તૈનાત

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ-ગાંધીનગર દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થઇ તમામ આવશ્યક વ્યવસ્થાને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. આગામી તા. 9 એપ્રિલ રવિવારના રોજ બપોરે 12:30થી 1:30 કલાક દરમિયાન જુનિયર ક્લાર્કની પરીક્ષા ભરૂચ જીલ્લાના 37 પરીક્ષા કેન્દ્ર ખાતે યોજાનાર છે. આ તમામ પરીક્ષા કેન્દ્ર ભરૂચ અને અંકલેશ્વર શહેર ખાતે પણ રાખવામાં આવ્યા છે. પરીક્ષામાં કુલ 380 બ્લોકમાં 11,400 જેટલા ઉમેદવારો પરીક્ષા આપનાર છે, ત્યારે પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે જીલ્લા કક્ષાના ઓબ્ઝર્વર તરીકે નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારીઓની 4 ફલાઈંગ સ્કવોર્ડ, બોર્ડના પ્રતિનિધિ તરીકે વર્ગ 1 અને 2ના અધિકારીઓ, 9 રૂટના રૂટ સુપરવાઈઝર તરીકે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, તમામ પરીક્ષા કેન્દ્ર ખાતે CCTV ઓબઝર્વર, આચાર્ય શિક્ષકો અને સેવક મળીને અંદાજીત 1400 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવનાર છે.

સમગ્ર જીલ્લામાં પરીક્ષા સંપૂર્ણ રીતે પારદર્શક અને નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે પરીક્ષા સાથે જોડાયેલ તમામ લોકોને રાજ્ય કક્ષાએથી બાઈસેગના માધ્યમ તથા જીલ્લા વિકાસ અધિકારી ભરૂચના અધ્યક્ષ સ્થાને તાલીમ આપી વહીવટી તંત્ર દ્વારા સુસજ્જ કરવામાં આવ્યા છે. ઉમેદવાર પોતાની સાથે પરીક્ષા કેન્દ્રમાં 11:45 કલાક સુધીમાં માત્ર પોતાનો ફોટો ઓળખપત્ર જેવા કે. ઇલેકશન કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ અથવા આધારકાર્ડ પૈકી કોઇપણ એક ફોટો ઓળખપત્ર, હોલ ટિકિટ અને બોલપેન સાથે પ્રવેશ કરી શકાશે. પરીક્ષા કેન્દ્ર ખાતે તમામ ઉમેદવારોનું 100% સ્ક્રીનીંગ કરવામાં આવશે. મહિલા ઉમેદવારના સ્ક્રીનીંગ માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્ર ખાતે 1 PSI/ASI, 5 હેડ કોન્સ્ટેબલ/પોલીસ કોન્સ્ટેબલ ફરજ બજાવશે. તો આરોગ્ય વિષયક કામગીરી માટે આરોગ્ય ટીમ પણ ફરજ બજાવશે. પરીક્ષાર્થીઓ માટે આવવા જવામાં મુશ્કેલી ન પડે તે માટે તા. 8 અને 9 એપ્રીલ દરમ્યાન એક્સ્ટ્રા બસની પણ ફાળવણી કરવામાં આવી છે.

Tags:    

Similar News