ભરૂચ : પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ સાથે આમોદ તાલુકાના રાજપૂત સમાજનું તંત્રને આવેદન...

સમગ્ર રાજપૂત સમાજમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે રોષની લાગણી ફેલાઇ છે,

Update: 2024-04-08 09:36 GMT

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં રાજા રજવાડા વિશે વાહિયાત ટીપ્પણી કરવામાં આવી હતી. જેનાથી સમગ્ર રાજપૂત સમાજમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે રોષની લાગણી ફેલાઇ છે, ત્યારે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમગ્ર રાજપૂત સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આવેદન પત્રમાં જણાવ્યા મુજબ, પુરુષોત્તમ રૂપાલા દ્વારા ઐતિહાસિક તથ્યોનું હકીકતથી વિપરીત ચિત્રણ કરી સમાજની છબી બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમની વાહિયાત ટીપ્પણીને લઇને સમસ્ત રાજપૂત સમાજ તથા રાજપૂત સમાજની માતા, બહેનો-દીકરીઓને ઘેરો આઘાત લાગ્યો છે, ત્યારે તેમની લોકસભાની ટીકીટ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

આ વેળા આમોદ તાલુકા સમગ્ર રાજપૂત સમાજના ભુપેન્દ્રસિંહ દાયમા, વિજયસિંહ સોલંકી, દિગ્વિજયસિંહ રાઠોડ, નીલકંઠસિંહ સિંધા, સુરપાલસિંહ રાજ સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજપૂત સમાજના રોષને જોતાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે આમોદ મામલતદાર કચેરી ખાતે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

Tags:    

Similar News