અંકલેશ્વર શહેરના 3 અલગ અલગ વિસ્તારોમાં પોલીસના દરોડા, દારૂના જથ્થા સાથે બુટલેગરોની અટકાયત...

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર શહેરના તાડ ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતાં, જ્યારે પોલીસે 2 ઈસમને વોન્ટેડ જાહેર કર્યા છે.

Update: 2023-01-25 13:09 GMT

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર શહેરના તાડ ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતાં, જ્યારે પોલીસે 2 ઈસમને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ઉપરાંત અંકલેશ્વર શહેર એ’ ડીવીઝન પોલીસે પણ જ્યોતિ ટોકીઝ નજીક આવેલ શિવદર્શન એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂના જથ્થા સહીત મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી. આ સાથે જ અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે એસવીઈએમ સ્કૂલ જવાના માર્ગ પરથી કારમાંથી લાખોની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન હ્યુમન ઇન્ટેલીજન્સથી બાતમી મળી હતી કે, અંકલેશ્ર્વર શહેરના તાડ ફળીયામાં રહેતા જુનેદ કુરેશીએ તેના મકાનમાં દારૂનો મોટો જથ્થો સંતાડી રાખ્યો છે. માહિતીના આધારે LCBની ટીમે મળેલ બાતમી હકિકત આધારે તાત્કાલીક રેઇડ કરી મકાનમાં બાથરૂમમાં સંતાડી રાખેલો ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયર ટીન નંગ 228 કિંમત 42,000 રૂપિયાના મુદ્દામાલ સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતાં, જ્યારે પોલીસે બે ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તો આ તરફ, અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ ઉપર આવેલ જ્યોતિ ટોકીઝ સ્થિત શિવ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતી મહિલા બુટલેગર પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે શહેર એ’ ડીવીઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 74 નંગ બોટલ મળી કુલ 21 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી મહિલા બુટલેગર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તો બીજી તરફ, અંકલેશ્વર શહેર એ’ ડીવીઝન પોલીસે ફિલ્મી ઢબે વિદેશી દારૂ ભરેલ કારને એસવીઈએમ સ્કૂલ જવાના માર્ગ ઉપર પંજાબ નેશનલ બેન્ક નજીકથી ઝડપી પાડી હતી. અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, રેલ્વે સ્ટેશનમાંથી 2 ઈસમો 3 પ્લાસ્ટીકની ટ્રાવેલિંગ બેગમાં વિદેશી દારૂનો જથ્થો લઇ સરદાર પટેલ હોસ્પિટલ જવાના માર્ગ ઉપર ઉભેલ કાર નંબર જીજે.૦૬.એફસી.૮૦૨૧માં મુકી રહ્યા છે, જેવી બાતમીના આધારે એ’ ડીવીઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે દારૂ ભરેલ કારના ચાલકે ગાડી પુરપાટ ઝડપે કાર હંકારી મુકી હતી. પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરતા કાર ચાલક અને અન્ય 2 ઈસમો એસવીઈએમ સ્કૂલ જવાના માર્ગ ઉપર પંજાબ નેશનલ બેન્ક નજીક ગાડી મુકી ફરાર થઇ ગયા હતા. પોલીસે કારમાંથી વિદેશી દારૂની 242 નંગ બોટલ અને 3 લાખની કાર મળી કુલ કિંમત 3.39 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News