પાકિસ્તાનથી ખેડૂતો માટે આવી “આફત”, જુઓ તીડોના આક્રમણ અંગે ડે.સીએમએ શું કહયું

Update: 2019-12-24 09:34 GMT

રાજસ્થાન અને કચ્છ બાદ બનાસકાંઠા જીલ્લામાં પાકિસ્તાનથી આવેલા તીડના આક્રમણથી ખેતીને નુકશાન થવા પામ્યું છે ત્યારે ખેડા જીલ્લામાં વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે તીડના થયેલા આક્રમણથી ખેતીને બચાવવા ખેતીવાડી અને બાગાયત વિભાગને સુચના અપાઇ હોવાનું જણાવ્યું હતું.

તીડોના ઝૂંડ રાજસ્થાનથી પાકિસ્તાન બોર્ડર થઈ સાઉદી અરેબિયા, ઈરાન અને ઇરાક તરફ માઇગ્રેટ થવા નીકળ્યા હતાં પરંતુ વાતાવરણ બદલાતા ગુજરાતમાં ઘૂસ્યા હતા. 5 મહિના અગાઉ વાવના અસારા, લોદ્રાણી, બુકણા, સુઇ ગામના માધપુરા સહિતના ગામોમાં તીડનું આક્રમણ થયું હતું. તેવામાં ફરીથી રાજસ્થાન તરફથી તીડનું આક્રમણ થતાં ખેડુતોમાં દોડધામ મચી છે. હાલ સ્થાનિક ખેડૂતોએ તીડ પર દવા છંટકાવ સહિતના અનેક નુસ્ખાઓ અપનાવ્યાં છે પણ તીડનો ઉપદ્રવ ઓછો થઇ રહયો નથી. તીડનું ઝુંડ 15 કી.મી.થી વધુના ઘેરાવાના ગામોમાં સર્વત્ર ફેલાઈ જીરું, એરંડા, રાયડો, ઘઉં સહિતના પાકોનો સફાયો કરી નાંખ્યો છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, અગાઉ એક મહિના પહેલા પણ તીડનું આક્રમણ થયું હતું ત્યારે કૃષિ વિભાગ તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા ગ્રામસેવકો, તલાટીઓ તેમજ ખેડૂતોનો સહયોગ લઈ ઝડપથી તીડોનો નાશ કરવામાં આવ્યો હતો. હવે ફરીથી કામગીરી કરવામાં આવશે.

Similar News