દાહોદ : નકલી કચેરી કૌભાંડ મામલે તત્કાલીન પ્રયોજના વહીવટદારની અમદાવાદથી ધરપકડ કરાય...

દાહોદ પોલીસે તાજેતરમાં નકલી કચેરી કૌભાંડમાં 7 બેંકોના 200 સ્ટેટમેન્ટ સાથેની ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજુ કરી હતી.

Update: 2024-02-23 06:21 GMT

ચકચારી નકલી કચેરી કૌભાંડ મામલે દાહોદ પોલીસને વધુ એક સફળતા મળી છે. જેમાં દાહોદ પોલીસે તત્કાલીન પ્રયોજના વહીવટદાર સંજય પંડ્યાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ પોલીસે તાજેતરમાં નકલી કચેરી કૌભાંડમાં 7 બેંકોના 200 સ્ટેટમેન્ટ સાથેની ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજુ કરી હતી. જેમાં 13 જેટલા આરોપીઓની ધરપકડ કરી તેમજ અન્ય 2 આરોપીઓને વોન્ટેડ દર્શાવવામાં આવ્યા હતા. જોકે, પોલીસ તપાસના અંતે રૂ. 18.59 કરોડના નકલી કચેરી કૌભાંડ હવે રૂ. 25 કરોડ પર આંબી ગયું છે. જોકે, હવે દાહોદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યા બાદ નકલી કચેરી કૌભાંડમાં આગળના સમયમાં શું અપડેટ મળશે તેની ઉત્સુકતા ધરાવનાર સૌકોઈને લાગ્યું હશે કે, આ પ્રકરણ અહિયાંથી પુરૂ થાય છે. પરંતુ દાહોદ પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલાએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે, ભલે ચાર્જશીટ કોર્ટમાં રજુ થઈ ગઈ હોય. પરંતુ પોલીસ આ મામલે અંદરખાને તપાસ ચાલુ રખાશે, અને જ્યાં સુધી કેસની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોલીસ અટકશે નહીં, અને થયું પણ એવુ કે, પોલીસે ચાર્જશીટ રજુ કર્યાના ગણતરીના દિવસોમાં જ નકલી કચેરી કૌભાંડમાં સામેલ તત્કાલીન પ્રયોજના વહીવટદાર સંજય જગદીશ પંડ્યાની અમદાવાદ ખાતેથી દાહોદ ASP કે. સિદ્ધાર્થની ટીમે ધરપકડ કરી પુછપરછ માટે દાહોદ લાવી સંજય પંડ્યાની ધરપકડ અંગેની જાણ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને પણ કરવામાં આવી હતી. કારણ કે તેઓ વર્ગ-1ના અધિકારી તરીકે ફરજાધિન હતા. સંજય પંડ્યા 2005 GAS કેડરના ડેપ્યુટી કલેક્ટર વર્ગ-1ના અધિકારી તરીકે જાહેર સેવામાં જોડાયા હતા, અને 2022થી 2023 સુધી દાહોદમાં પ્રયોજના કચેરીમાં પ્રયોજના વહીવટદાર તરીકે પદસ્થ હતા. હાલ જ્યારે તેમની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે, ત્યારે વર્તમાનમાં તેઓ ગાંધીનગર સ્પીપામાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તત્કાલીન પ્રયોજના વહીવટદાર સંજય પંડ્યા દ્વારા નકલી કચેરી કોભાંડનો માસ્ટરમાઈન્ડ અબુબકર સૈયદ સાથે મળી કરોડો રૂપિયાના કામો નકલી કચેરીમાં ફાળવી નકલી કચેરી કૌભાંડમાં સરખે સરખી ભાગીદારી નિભાવી હતી.

Tags:    

Similar News