રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલને જ ભાઈનો "સહકાર" ન મળ્યો, વલ્લભ પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો

Update: 2021-09-02 12:20 GMT

રાજ્યના સહકાર પ્રધાન અને ભરૂચની અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ કોંગ્રેસમાં જોડાયા છે અમદાવાદ ખાતે પ્રદેશ કાર્યાલય પર પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં તેઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.

ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે પક્ષ બદલવાની મૌસમ ધીમે ધીમે શરૂ થઈ રહી હોવાનું લાગી રહ્યું છે. વલ્લભ પટેલ અગાઉ ભાજપમાં રહી ચૂક્યા છે જો કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે લાગુ કરેલા નવા નિયમોના કારણે તેઓને ટિકિટ આપવામાં ન આવતા તેમણે તાલુકા પંચાયતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ જીત હાંસલ કરી હતી.

આ ઉપરાંત તેઓ હાંસોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પણ ચેરમેન રહી ચૂક્યા છે. વલ્લભ પટેલે થોડા સમય અગાઉ પી.એમ.નરેન્દ્ર મોદીને પત્ર લખી તેમના ભાઈ અને ભાજપ પર પણ ગંભીર આક્ષેપ કર્યા હતા. આજરોજ તેઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કરતા વિધાનસભાની ચૂંટણીમાં નવી સમીકરણો રચાયા છે.  

Tags:    

Similar News