નવસારી : નગરપાલિકાની "મધુર જળ યોજના" અધૂરી, પીવાના મીઠા પાણીથી લોકો વંચિત...

પાલિકા હદમાં પાણી અંગે સ્થાનિકોમાં કકળાટ યથાવત, રાજ્ય સરકારની મધુર જળ યોજનાનું કામ ખોરંભે ચઢ્યું

Update: 2022-02-02 11:45 GMT

નવસારીમાં નગરપાલિકાના હદ વિસ્તારમાં પાણીને લઇને ફરી એકવાર કકળાટ શરૂ થયો છે. રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલ મધુર જળ યોજનાનું કામ પાલિકાની અણઆવડતના કારણે અટવાઈ પડતાં શહેરીજનો પીવાના મીઠા પાણીથી વંચિત રહ્યા છે.

પાણી એ મનુષ્ય જીવનની પ્રથમ જરૂરિયાત છે, ત્યારે નવસારીના પૂર્વ પટ્ટી વિભાગના એક લાખ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે હેતુસર નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી 28 કરોડ રૂપિયાના ખર્ચે શહેરમાં પાણીની ટાંકી બનાવવાનું કામ નિર્ધારિત કર્યું હતું. શહેરમાં આવેલા દુધિયા તળાવ, જૂનું ગ્રામ્ય પોલીસ સ્ટેશન અને જલાલપોર વિસ્તારમાં 14 હજાર લીટર ક્ષમતા ધરાવતી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ આજથી 12 વર્ષ પહેલા મુકવામાં આવ્યો હતો. જેમાં પહેલા જમીન સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, પાલિકા દ્વારા ટાંકી તો નિર્માણ કરી દેવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી ટાંકીમાં એક ટીપું પાણી ભરી શકાયું નથી.

નવસારી પાલિકાએ તળાવમાં પાણી ભરવા માટે નજીક આવેલા તળાવોને જોડવાની કામગીરી હાથ ધરી હતી. જલાલપોર વિસ્તારમાં આવેલ દેસાઈ તળાવનું પાણી આ ટાંકીમાં ઠાલવવાનું હતું. પરંતુ પાણી ભરવા માટે જે ઇન્ટેક મોટરની જરૂરિયાત હોય છે એ 5 મોટરો હજી સુધી તળાવમાં લગાવાય નથી. સ્થાનિક અગ્રણીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં આ દિશામાં પાલિકાએ કોઈ કામગીરી કરી નથી. જેને લઇને રૂપિયા 28 કરોડ જેવી માતબર રકમ પાણીમાં ગઈ હોવાનું લોકોને લાગી રહ્યું છે. હાલ નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા આ કામને ગંભીરતાથી લઈ પૂરું કરવાના દાવા તો કરવામાં આવ્યા છે. પરંતુ હજી સુધી વહિવટી પ્રક્રિયા પૂર્ણ થઇ નથી, ત્યારે આ યોજનાને લઈને પાલિકાના સત્તાધીશો યોગ્ય કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.

Tags:    

Similar News