રાજ્યભરમાં વરસાદ વચ્ચે NDRFની સરાહનીય કામગીરી, ક્યાક જાગૃતિ કાર્યક્રમ, તો ક્યાક લોકોના સ્થળાંતર કર્યા...

સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સંભવિત ભારે વરસાદની આગાહીના પગલે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી

Update: 2022-07-14 15:10 GMT

સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સંભવિત ભારે વરસાદની આગાહીના પગલે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. ભાવનગર ખાતે NDRFની ટીમ દ્વારા મહુવા અને તળાજા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વધુ વરસાદ પડે તો તકેદારી રાખવા માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુથી કતપર, બોરડી, જાગધાર અને સરતાનપર ગામોની મુલાકાત લઈને ગામ લોકોને ઘરેલુ વસ્તુની ઉપયોગીતાથી પુરની પરિસ્થિતિમાં બચવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તો બીજી તરફ, વડોદરા જિલ્લામાં પણ ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જેમાં NDRFની ટીમે શંભોઈ ગામમાં ફસાયેલ 8 લોકોને બચાવ્યા હતા. તો કરજણ તાલુકાનું શંભોઈ ગામ ઢઢાર નદીમાં જળસ્તર વધતા ગામનો કેટલોક ભાગ વિખુટો પડી ગયો હતો, ત્યારે ફસાયેલા લોકોને NDRFએ સલામત સ્થળે ખસેડ્યા હતા. જેમાં 2 પુરુષ, 2 સ્ત્રી અને 4 બાળકોનો સમાવેશ થાય છે.

દક્ષિણ ગુજરાતમાં પણ અવિરત મેઘમહેર જોવા મળી હતી. નવસારી જિલ્લામાં પણ ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાય છે, ત્યારે ગોલવાડ ગામના 77 લોકોનું NDRFની ટીમે રેસ્ક્યુ કર્યુ હતું. ચીખલી તાલુકાના સાદકપોર અને ગોલવાડ વિસ્તારમાં કાવેરી નદીમાં નવા નીર આવતા ચોતરફ પાણી ભરાઇ જતાં આ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે, જ્યારે ગોલવાડ ગામમાં ભારે વરસાદમાં ફસાયેલા 77 લોકોનું NDRF દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

Tags:    

Similar News