પંચમહાલ : ઔષધિય ગુણો ધરાવતા ગિલોયના સેવન-ઉપયોગ વિશે લોકોને માહિતી અપાય

Update: 2021-07-23 06:55 GMT

પંચમહાલ જિલ્લાના કાલોલમાં અનિરાદિચિતા થિયેટર એન્ડ ફિલ્મ્સ દ્વારા ખૂબ જ મનોરંજક રીતે ગળો (ગિલોય) વિશે માહિતિ આપવામાં આવી હતી. આયુષ મંત્રાલયના અંતર્ગત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બોટની ડિપાર્ટમેન્ટ (સાયન્સ ફેકલ્ટી) દ્વારા 'અમૃતા ફોર લાઇફ : ગિલોય' પહેલ અંતર્ગત ઔષધિય ગુણો ધરાવતા એવા ગિલોયના ૧૦૦૦ જેટલા રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

કોરોનાની મહામારીના સમયમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે અને તેમને કોરોના સામે રક્ષણ મળે તે હેતુથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બોટની વિભાગે ગિલોયના ૨ લાખ રોપાનું વિવિધ સ્થળોએ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ઉપક્રમે ગત ૨૧મીના રોજ કાલોલમાં રોપા વિતરણ કરવામાં આવ્યા હતા, તથા ગિલોય વિશે જાગૃતતા ફેલાવવા બોટની વિભાગના સભ્યો તથા અનિરાદિચિતા થિયેટર એન્ડ ફિલ્મ્સના કલાકારો આવ્યા હતા. "અમૃતા લગામ છે, ગિલોય એનું નામ છે" અને "સ્વાસ્થ્યને સુધારીએ, ગિલોયને અપનાવીએ" આ સૂત્રો થકી લોકોમાં જનજાગૃતિ ફેલાવી આ છોડના ઉપયોગ તથા તેના સેવનથી થતાં ફાયદા વિશે એક સુંદર નાટક પ્રસ્તુત કર્યુ હતું.

આ નાટક અનિરાદિચિતા થિયેટર એન્ડ ફિલ્મ્સના ફાઉન્ડર અનિકેત પંડયા દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યું હતું. જેમાં ગિલોયની ઉત્પત્તિ, તેના ઉપયોગની રીત, તેના ફાયદા ખૂબ સરળ ભાષામાં અને મનોરંજક રીતે સમજાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કાલોલની જનતાને ગિલોયના રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News