કાલોલ: બોરૂ થી બાકરોલ ગામ વચ્ચે રૂપિયા ૫.૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ પુલ બન્યો ખખડધજ

Update: 2019-08-16 12:38 GMT

કાલોલ તાલુકાના બોરૂ થી બાકરોલ વચ્ચે આશરે રૂપિયા ૫.૫ કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવેલા ગોમા નદીના પુલની બંને બાજુની સાઈડો ભારે વરસાદને કારણે બેસી જતાં પુલની તકનીકી અને ગુણવત્તાની ક્ષમતા સામે સવાલો ઉભા થયા છે.

કાલોલ તાલુકાના બોરૂ થી બાકરોલ વચ્ચે ગોમા નદી પસાર થાય છે. આને લીધે બોરૂ થી કાલોલ તરફ અને બાકરોલથી ધંતેજ સાવલી તરફના વાહન ચાલકોને પાંચ થી દસ કી.મી. લાંબુ અંતર કાપવું પડતું હોય છે.આ લાંબુ અંતર કાપવું ના પડે તે માટે ગોમા નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ પુલ તૈયાર થઈ જવા છતાં ગમે તે કારણોસર હજી સુધી લોકાર્પણ કરવામાં આવ્યું નથી.

આ પુલ તૈયાર થઈ ગયો હોવા છતાં લોકાર્પણ ન કરવામાં આવતા આ પુલ પરથી સામાન્ય અવર જવર ચાલુ થઈ જવા પામી હતી. જેની તંત્રએ પણ પરવા કરી ન હતી.આ નવીન પુલ આ વર્ષના પહેલા જ ચોમાસે આ પાછલા ૧૦ દિવસ સુધી થયેલા ભારે વરસાદને કારણે પુલના મધ્ય ભાગને છોડીને પુલની આજુબાજુના બંને છેડા પરની સંરક્ષણ દિવાલ સહિત માટીનું ધોવાણ થઈ ગયું અને બંને છેડાઓના પુરક માર્ગો પર તિરાડો પડી જતાં આ પુલ ક્ષતિગ્રસ્ત બની ગયો હતો.

કાલોલ તાલુકાના બોરૂ થી બાકરોલ વચ્ચેના ગોમા નદીના નવીન પુલનું તાંત્રિક વિધિ અને ટેન્ડર મુજબનું કામ શિવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મહેસાણાના ઈજારદારને કામ આપવામાં આવ્યું હતું. પરંતુ ઈજારદારએ આ પુલની કામગીરી પેટા કોન્ટ્રાકટમાં ભારતી કન્ટ્રકશન મહેસાણાના ઈજારદારને સોંપવામાં આવી હતી અને આ પુલની કામગીરી પેટા કોન્ટ્રાકટરના ઈજારદાર દ્વારા કરવામાં આવી હતી.

ગોમા નદીના આ નવીન પુલ સાથે પુલ સંલગ્ન પુલ કરતા લાંબા એપ્રોચ રોડ બનાવવાની કામગીરીમાં ટેન્ડર મુજબની પ્રક્રિયા વિરૂધ્ધ હલકી કક્ષાનું મટેરીયલ્સ વાપરીને કામગીરી પૂર્ણ કરી દેતા એપ્રોચ રોડનું પહેલા જ વરસાદમાં ધોવાણ થઈ ગયુ હતું.

આ વરસાદને કારણે એપ્રોચ રોડની કામગીરીની તંત્ર અને ઈજારદાર વચ્ચેની મીલીભગતની પોલ ખુલી પાડી દીધી હોવાની લોકચર્ચાઓ જોર પકડયું છે. આ પૂલ અને એપ્રોચ રોડની કામગીરીમાં હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચારને પગલે આગામી ભારે વરસાદમાં વધારે પોલ ખુલવાની શકયતાઓની ચર્ચાઓએ પણ વેગ પકડયો છે.

Tags:    

Similar News