ખેડા : સલુણ ગામ નજીક અનુપમ ઇન્ડસ્ટ્રીઝમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગ દોડ્યું
ખેડા જિલ્લાના નડીઆદ તાલુકાના સલુણ ગામ નજીક આવેલ એક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી હતી. બનાવના પગલે નડીઆદ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, નડીઆદ તાલુકાના સલુણ ગામ નજીક આવેલ અનુપમ ઇન્ડસ્ટ્રીઝમાં એકાએક ભીષણ આગ લાગવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ નડીઆદ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
પ્લાસ્ટિક કેબલ કોટિંગ કરતી અનુપમ ઇન્ડસ્ટ્રીઝમાં ધડાકાના અવાજ સાથે આગ ફાટી નીકળી હતી. અંદાજિત એક કલાક સુધી ચાલેલી આગ ઉપર 2 જેટલા વોટર બાઉઝરની મદદથી સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, ત્યારે ભારરે જહેમત બાદ સમગ્ર આગ ઉપર કાબુ મેળવવામાં નડીઆદ ફાયરબ્રિગેડને સફળતા મળી હતી. હાલ તો શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. સદનસીબે આગ લાગવાના બનાવમાં કોઇ જાનહાનિ નહીં થતા મોટી દુર્ઘટના ટળી હતી.