સ્વચ્છતા એ જ સેવા ૨૦૧૮ અંતર્ગત ભરૂચ ખાતે કરાયું બાઇક રેલીનું આયોજન

Update: 2018-09-29 09:37 GMT

૨૦૧૯ માં મહાત્મા ગાંધીની ૧૫૦ મી વર્ષગાંઠ નિમિત્તે સ્વચ્છ ભારતનો ધ્યેય પ્રાપ્ત કરવા માટે સરકાર કટિબધ્ધ

ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન તા.૦૨/૦૯/૨૦૧૮ ના રોજ રાષ્ટ્રીય ફલેગશીપ પ્રોગ્રામ તરીકે શરૂ કરાયું હતું અને ૨૦૧૯ માં મહાત્મા ગાંધીની ૧૫૦ મી વર્ષગાંઠ નિમિત્તે સ્વચ્છ ભારતનો ધ્યેય પ્રાપ્ત કરવા માટે સરકાર કટિબધ્ધ છે. આ સંદર્ભમાં ભારત સરકાર દ્વારા તા.૧૫/૦૯/૨૦૧૮ થી તા.૦૨/૧૦/૨૦૧૮ સુધી સ્વચ્છતા એ જ સેવા - ૨૦૧૮ અભિયાનનો આરંભ કરેલ છે.

ભારત સરકાર દ્વારા આયોજીત સ્વચ્છ ભારત અભિયાન - સ્વચ્છતા એ જ સેવા - ૨૦૧૮ અંતર્ગત બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક દ્વારા તા.૨૬/૦૯/૨૦૧૮ ના રોજ સવારે ભરૂચ શહેરમાં બાઇક રેલી દ્વારા સ્વચ્છતા અંગે જનજાગૃતિ અભિયાનનું આયોજન કરેલ. બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કના અધ્યક્ષ વિનીતકુમાર ડૂડેજા દ્વારા લીલી ઝંડી બતાવી બાઇક રેલીનો આરંભ કરવામાં આવેલ. આ પ્રસંગે બેન્કના મહાપ્રબંધક એમ.બી.વાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ નિમિત્તે બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કના મુખ્ય કાર્યાલયના પ્રાંગણમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલ. આ પ્રસંગે ભરૂચ નગર સેવાસદનના પ્રમુખ સુરભિબેન તમાકુવાલા તેમજ ભરૂચ નગર સેવાસદનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્વચ્છતા અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવેલ બાઇક રેલીમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કના ૮૦ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત અભિયાનને સફળ બનાવેલ હતો.

Similar News