પાવીજેતપુર : મનરેગા યોજનામાં મસમોટા કૌભાંડનો પર્દાફાશ, જાણીને ઊડી જશે હોશ!

Update: 2020-07-04 10:41 GMT

છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કોલીયારી ગામ પંચાયતમાં મનરેગા યોજનામાં નવીન તળાવ તેમજ લેવલીંગના કામમાં મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. 9 લાખ રૂપિયા ઉપરાંતનો ભ્રષ્ટાચાર થતાં ખળભળાટ મચી ગયો છે.

સરકાર દ્વારા ગરીબોને રોજગારી મળી રહે તે આશ્રયથી સરકાર દ્વારા મનરેગા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના દ્વારા હજારો શ્રમજીવીઓ મજુરી કરી જીવન નિર્વાહ કરે છે. યોજના અંતર્ગત ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાએથી વિકાસના કામો કરવાના હોય છે પરંતુ આ શ્રમજીવીઓના પરસેવાના રૂપિયા પણ સરપંચ તેમજ નરેગાના ભ્રષ્ટ કર્મચારીઓ ભેગા મળી હોઈયાં કરી જાય છે. આવાજ ભ્રષ્ટાચારની પોલ ખૂલી છે છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાની કોલીયારી ગ્રામ પંચાયતની.

ગામના જાગૃત યુવાનોએ ભ્રષ્ટાચારને ઉજાગર કરી જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જીલ્લા પ્રભારી બચુભાઈ ખાબડને લેખિત રજૂઆત કરી હતી. ત્યાર બાદ\ જીલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલની આગેવાનીમાં તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય ટીમ બનાવી હતી. તપાસ સમિતિએ સ્થળ પર તપાસ કરતા અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા. કારણ કે, કોઈ વિકાસના કામ વિનાજ તળાવોનું ખોદાણ થઈ રહ્યું હતું તે પણ પ્રાથમિક તપાસમાં તળાવો ઊંડા કર્યા ન હોવાનું સામે આવ્યું હતું.

કોલીયારી ગ્રામ પંચાયતના સર્વે નંબર ૩૩૧ મા તળાવ ઊંડું કર્યા વગર રૂ. ૪,૮૭,૨૦૦/- તેમજ સર્વે નંબર ૨૮૧ માં પણ તળાવ ઉંડું કર્યા વિના જ રૂ. ૪,૪૪,૦૦૦/- નો ખર્ચ પાડી દીધો હોવાનુ અને મજૂરીના રૂપિયાની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર પી.એ.ગામીતે કોલીયારીના જી.આર.એસ. ( ગ્રામ રોજગાર સેવક) મુકેશ એમ.રાઠવા અને પાવી જેતપુર તાલુકા પંચાયત નરેગા વિભાગના ટેકનીકલ આસીસ્ટંટ હીરેન એચ.વસાવાને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતાં નરેગા વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

આ ઉપરાંત કોલીયારીના સરપંચ અને તલાટી સહિતના અધિકારીની સંડોવણી સામે આવશે તેની સામે શીસ્તભંગના પગલા ભરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

Similar News