રાજકોટ: ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની કથિત ઓડિયો ક્લિપ વાયરલ, જુઓ કોને ભાંડી ગાળ

Update: 2021-01-31 11:47 GMT

રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી ફરી એકવખત વિવાદમાં આવ્યા છે. અરવિંદ રૈયાણીની કથિત ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે જેમાં તેઓ પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલ રાદડીયાને ગાળો ભાંડી રહ્યાં છે તો ખોડલધામના ચેરમેન નરેશ પટેલને કોંગ્રેસની માનસિકતા વાળા કહી રહ્યા છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકના એક દિવસ પહેલા રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીના અવાજવાળી કથિત ઓડિયો ક્લિપ બહાર આવી છે. અરવિંદ રૈયાણીનો અવાજ હોવાનું કહેવાતો ઓડિયો છે. જેમાં રૈયાણી પાટીદાર સમાજના આગેવાન પૂર્વ સંસદ સભ્ય સ્વ. વિઠ્ઠલ રાદડિયા, તેમના પુત્ર કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને ગાળો ભાંડી રહ્યા છે અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને તેના પિતા કોંગ્રેસી માનસિકતાવાળા હોવાનું કહી રહ્યા છે. આ કથિત ઓડિયોમાં ગુજરાત ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પૂર્વ કોર્પોરેટર, પૂર્વ ધારાસભ્યના નામનો પણ ઉલ્લેખ કરે છે.વાઇરલ થયેલી ઓડિયો ક્લિપમાં અરવિંદ રૈયાણી કહે છે કે ખોડલધામ નું બધુ શીખવનાર રમેશ રૂપાપરા છે તે બહુ હોશિયાર માણસ છે. વિઠ્ઠલ રાદડિયા હળવો થઈ જાય તો આપણા માટે બધું સીધું થઈ જાય તેમ છે. તો સાથોસાથ ઓડિયો ક્લિપમાં સાંભળવા મળી રહ્યું છે કે નરેશ પટેલ અને તેના બાપા કોંગ્રેસી વિચારધારાના માણસો છે. 

સમગ્ર મામલે ધારાસભ્ય અરવિંદ રૈયાણી એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ જે ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે તે બનાવટી છે. જે ચર્ચા મેં કરી હતી તે આજથી 10 વર્ષ પૂર્વે એટલે કે 2010માં કેટલાક રાજકીય આગેવાનો સાથે કરી હતી. ઓડિયો ક્લિપમાં જે પણ વ્યક્તિઓના નામ સાંભળવા મળી રહ્યા છે તે તમામ વ્યક્તિઓ મારા માટે વંદનીય છે. દર વખતે ચૂંટણી આવે ત્યારે કોઈને કોઈ વિવાદમાં મને નાખવાનો પ્રયત્ન મારા વિરોધીઓ દ્વારા કરવામાં આવતો હોય છે. ત્યારે વધુ એક વખત મારા વિરોધીઓએ મારી રાજકીય કારકિર્દી ટૂંકાવવા માટે આ પ્રકારનું ષડયંત્ર રચ્યું છે ત્યારે ઓડિયો ક્લિપ મામલે   પોલીસ ફરિયાદ કરવામાં આવશે

Tags:    

Similar News