સાંસરોદ ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાયકલ સવાર DGVCLના કર્મીનું મોત

Update: 2018-09-25 07:52 GMT

DGVCL માં લાઇનમેન તરીકે ફરજ બજાવતા હતા, ફરજ પરથી પરત ફરતી વેળા કાળ ભરખી ગયો.

નેશનલ હાઇવે નંબર ૪૮ પર પાલેજ નજીક આવેલા સાંસરોદ ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાયકલ સવારનું કમકમાટીભર્યુ મોત નીપજતા અરેરાટી વ્યાપી હતી.

 

પોલીસ સુત્રીય માહિતી અનુસાર કરજણ તાલુકાના વલણ ગામના લાલબજાર પઢીયાળ ફળીયામાં રહેતા ખોડાભાઇ પુજાભાઇ પઢીયાળ પોતાની મોટતસાયકલ લઇને વલણ ગામ તરફ આવી રહ્યા હતા. ત્યારે સાંસરોદ ગામ નજીક આવેલી મારૂતિ હોટલ સામે કોઇ અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ગફલતભરી રીતે હંકારી ખોડાભાઇની મોટરસાયકલને ટક્કર મારતા ખોડાભાઇ રોડ ઉપર પટકાયા હતા. જેના પગલે તેઓને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા ૧૦૮ દ્વારા પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ખોડાભાઇનું મોત નીપજ્યું હતું.

ખોડાભાઇ પઢીયાળ છેલ્લા ૩૦ વર્ષથી પાલેજ ડી જી વી સી એલ ખાતે લાઇનમેન તરીકે ફરજ બજાવતા હતા. તેઓ હિંગલ્લા ગામના સબસ્ટેશન ખાતેથી ફરજ પરથી પરત ફરી રહ્યા હતા. તે વેળા અકસ્માતનો ભોગ બન્યા હતા. ઘટનાની જાણ થતા પાલેજ ડી જી વી સી એલ ના ડે.એન્જિનીયર સહિત ડી જી વી સી એલ ના સ્ટાફના માણસો તથા વલણ ગામના હિંદુ - મુસ્લિમ આગેવાનો પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. અકસ્માત સંદર્ભે કરજણ પોલીસે ગુનો નોંધી ફરાર અજાણ્યા વાહનચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

Similar News