સુરત : ભાજપના ઉમેદવારનો દારૂ પાર્ટીનો ફોટો થયો વાઇરલ, જુઓ AAP પર કેવા કર્યા આક્ષેપ..!

Update: 2021-02-20 12:45 GMT

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી ટાણે ભાજપના ઉમેદવારનો દારૂની મહેફિલમાં હાજરી હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રતિસ્પર્ધી દ્વારા આ ફોટો એડિટ કરી બદનામ કરવાનો પ્રયાસ કરાયો હોવાનો ભાજપના ઉમેદવારે આક્ષેપ કર્યો છે.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ભાજપ સરકારના નેતાઓ દારૂબંધીના લિરેલીરા ઉડાવતા હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરમાં ભાજપના વોર્ડ નં. 24ના ઉમેદવાર સોમનાથ મરાઠે વિવાદમાં આવ્યા છે. જે ભાજપના નેતાઓ પર પ્રજાના પ્રતિનિધિ તરીકેની જવાબદારી છે, તે નેતાઓ ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ કરી રહ્યા છે. ભાજપના ઉમેદવારનો વાયરલ ફોટો બાદ ભાજપ પાર્ટીમાં હડકંપ મચી ગયો છે. એક તરફ ભાજપ પાર્ટીની અબરૂના ધજાગરા ઉડી રહ્યા છે. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર સોમનાથ મરાઠે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. વાયરલ થયેલા ફોટોને લઈ તેમણે નિવેદન આપ્યું છે કે, આ ફોટો તેમના પ્રતિસ્પર્ધી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિલાસ પાટીલ દ્વારા એડિટિંગ અને મર્જ કરવામાં આવ્યો છે. હાલ ચૂંટણી ટાણે તેમને બદનામ કરવા માટે ફોટો ફેસબુક સહિત સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. જોકે આ ફોટોની FSL તપાસ બાદ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે.

જોકે, સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રચારમાં ભાજપને પ્રજાનો જંગી પ્રતિસાદ મળવા પામ્યો છે. જેના કારણે વિરુદ્ધ પાર્ટીના પેટમાં તેલ રેડાયું હોવાનો ભાજપ ઉમેદવારે દાવો કર્યો છે, ત્યારે છેલ્લા 15 વર્ષથી વિરુદ્ધ પાર્ટીના નેતા વિલાસ પાટીલ દ્વારા કોંગ્રેસને જીતાડવા માટે આ ઘીન પ્રયાસ કરાયો હોવાનો પણ ભાજપ ઉમેદવાર સોમનાથ મરાઠેએ આરોપ લગાવ્યો છે. તો સાથે જ ભાજપ ઉમેદવાર દ્વારા કરાયેલા આક્ષેપ કેટલા તથ્ય છે, તે હાલ એક તપાસનો વિષય છે. આપ પાર્ટીના ઉમેદવાર વિલાસ પાટીલે જણાવ્યું હતું કે, આ ફોટા 100 ટકા સાચા છે. સોમનાથ મરાઠે 2 દિવસમાં ફરિયાદ દાખલ નહીં કરશે, તો હું તેઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશ. આ મામલે સુરત પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી અથવા તપાસ હાથ ધરવામાં આવે છે કે, કેમ તેના પર અન્ય રાજકીય પાર્ટીઓ સહિત મતદાતાઓની મીટ મંડાયેલી છે.

Tags:    

Similar News