સુરત : કીમ-માંડવી રોડ પર બેકાબુ ટ્રક ચાલકે શ્રમજીવીઓને કચડ્યા, 13 લોકના મોત, 5થી વધુ લોકો ગંભીર

Update: 2021-01-19 03:36 GMT

સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા નજીક પાલોદ ગામની સીમમાં કીમ-માંડવી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે અકસ્માત બાદ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ચાલકે ફૂટપાથ પર સુતેલા 13 જેટલા શ્રમજીવીઓને કચડી માર્યા હતા. બનાવના પગલે જિલ્લાભરનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ગત સોમવારની મધરાતે સુરત જિલ્લાના કીમ-માંડવી રોડ પર કીમ હકાર રસ્તા નજીક એક બેકાબુ બનેલી કાળમુખી ટ્રકે 13 જેટલા લોકોનો ભોગ લીધો હતો. જેમાં ટ્રક ચાલક ટ્રક લાઇ કીમ ચાર રસ્તાથી માંડવી તરફ જઈ રહ્યો હતો તે દરમ્યાન સામેથી આવી રહેલા શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે અથડાયો હતો. ત્યારબાદ ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડની બાજુમાં ફૂટપાથ પર ટ્રક ચઢાવી દીધી હતી. ટ્રક ફૂટપાથ પર ચઢાવી દેતા ફૂટપાથ પર સુતેલા 18 જેટલા શ્રમજીવીઓને ટ્રક નીચે કચડી માર્યા હતા. જેમાં એક બાળકી સહીત 12 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જયારે 6 જેટલા શ્રમજીવીઓને ગંભીર ઈજાના પગલે 108 એમ્બ્યુલન્સ મારફતે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, ત્યારે કુલ મૃત્યુઆંક 13 સુધી પહોંચી જવા પામ્યો છે. જયારે ટ્રક ચાલક અને ક્લીનરને પણ ગંભીર ઈજા થતા તેઓને પણ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે કોસંબા ખાતે ખસેડાયા હતા.

બેકાબુ બનેલી કાળમુખી ટ્રક નીચે કચડાયેલા તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના બાંસવાડા જીલ્લાના કુશલગઢના વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તમામ લોકો દિવસ દરમ્યાન કડીયાકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. જોકે ટ્રક આ શ્રમજીવીઓને કચડ્યા બાદ ફૂટપાથની બાજુમાં બનેલી 4થી 5 દુકાનોનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. જોકે અકસ્માતની ઘટનામાં એક 6 માસની બાળકીનો આબાદ બચાવ થયો હતો, જ્યારે બાળકીના માતા-પિતા મૃત્યુ પામ્યા હતા, ત્યારે હાલ તો અકસ્માતે 13 લોકોના મોત થતા સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ છે.

Tags:    

Similar News