સુરત : શેરડીમાં આવી “વ્હાઇટ ફ્લાય” નામની જીવાત, જુઓ કેવી રીતે પહોચાડે છે શેરડીના પાકને નુકશાન..!

Update: 2020-11-25 07:31 GMT

સુરત જીલ્લાના શેરડી પકવતા ખેડૂતો માટે માથાના દુ:ખાવા સમાન બની રહી છે વ્હાઇટ ફ્લાય નામની જીવાત. શિયાળાની શરૂઆત થતાની સાથે જ વ્હાઇટ ફ્લાય જીવાતનો ઉપદ્રવ ઘણો વધે છે. છેલ્લા 3 વર્ષથી ઓલપાડ તાલુકાના ખેડૂતોને શેરડીના ઉત્પાદનમાં મોટો ફટકો પડ્યો છે, ત્યારે સરકાર ખેડૂતોને સહાય કરે તેવી માંગ ઉઠવા પામી છે.

આમ તો દક્ષીણ ગુજરાતના ખેડૂતોને સમૃદ્ધ ગણવામાં આવે છે અને તેમાં પણ ખાસ કરીને સુરત જીલ્લાના શેરડી પકવતા ખેડૂતો. પરંતુ હાલ સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના શેરડી પકવતા ખેડૂતોની હાલત છેલ્લા 3 વર્ષથી કફોડી બની છે, જેનું કારણ છે વ્હાઇટ ફ્લાય નામની જીવાત. આ જીવાતના કારણે ખેડૂતોની હાલત કફોડી બનતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જીવાતની સીધી અસર શેરડીના પાકના ઉત્પાદન પર થઇ રહી છે. જે ખેતરમાં 20થી 25 ટન વીઘાનું ઉત્પાદન મળે છે એ સીધું 10થી 15 ટન પર આવી ચુક્યું છે.

શું છે આ વ્હાઇટ ફ્લાય નામની જીવાત અને કેવી રીતે કરે છે શેરડીને નુકશાન..? આ વ્હાઇટ ફ્લાય નામની જીવાત ચોમાશા બાદ જ્યારે ઠંડીની શરૂઆત થાય, ત્યારે અચાનક વાવઝોડાની જેમ શેરડી પર ત્રાટકે છે. ખાસ કર ને શેરડીના પાંદડાની નીચેના ભાગે આ જીવાત પોતાના ઈંડા મુકે છે. જે શેરડીના પાંદડામાંથી રસ ચૂસીને પોતે જીવિત રહે છે. જેને લઇ પાંદડા સુકાઈને પીળા પડી જાય છે અને શેરડીનો વિકાસ અટકી જાય છે. જેની સીધી અસર શેરડીના ઉત્પાદન પર પડી રહી છે.

જોકે વ્હાઇટ ફ્લાય નામની આ જીવાતથી માત્ર ખેડૂતો જ નહી પરંતુ સુગર મિલના સંચાલકો પણ ચિંતિત છે. કારણ કે, ગત વર્ષે ઓલપાડ તાલુકામાં શેરડીનું રેકોર્ડ બ્રેક વાવેતર તો થયું હતું. પરંતુ વ્હાઇટ ફ્લાય જીવાતને લઇ શેરડીના ઉત્પાદન પર મોટી અસર થઇ રહી છે. સાયણ સુગર મિલના 7500 ઉત્પાદક સભાસદોએ ગત વર્ષે રેકોર્ડ બ્રેક 36800 એકરમાં શેરડીનું વાવેતર કર્યું હતું, ત્યારે હાલ તો ખેતરમાં પાક તૈયાર છે. જોકે વ્હાઇટ ફ્લાય જીવાતને લઇ સુગર સંચાલકો વધુ ચિંતિત બન્યા છે. સાયણ સુગર મિલ દ્વારા ક્રાયસોપા નામની અન્ય જીવાતો ફર્ટિલાઇઝ કરી કાગળના પત્તાઓ સ્વરૂપે ખેડૂતોને વિનામૂલ્યે આપવામાં આવી રહ્યા છે. આ ક્રાયસોપા નામની જીવાત વ્હાઇટ ફ્લાયને ખાય જાય છે. પરંતુ જો તમામ ખેડૂતો આનો ઉપયોગ કરે તો જ શક્ય છે. અન્યથા આ વ્હાઇટ ફ્લાયને રોકવી અશક્ય છે.

Tags:    

Similar News