વડોદરા : સમીયાલા ગામ પાસે બેંકનું એટીએમ તોડનાર તસ્કર ઝડપાયો

Update: 2021-01-08 11:45 GMT

વડોદરા નજીક આવેલા સમીયાલા ગામ પાસે આવેલ યુનિયન બેંકનું એ.ટી.એમ. તોડવાનો પ્રયાસ કરી રહેલા રીઢા ચોરને તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. જે.ડી. સરવૈયાએ જણાવ્યું હતું કે, વડોદરા નજીક પાદરા રોડ ઉપર સમીયાલા ગામ પાસે યુનિયન બેંક અને બેંકનું એ.ટી.એમ. આવેલું છે. આજે વહેલી સવારે 4 વાગ્યાના સુમારે એક શખ્સ એ.ટી.એમ.માં ઘૂસી ગયો હતો અને ગેસ કટરથી એ.ટી.એમ. તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જે અંગેની જાણએ.ટી.એમ. સ્થિત મકાનના માલિકને થતાં તુરત જ તેઓએ બેંકના અધિકારીને જાણ કરી હતી.બેંક અધિકારીએ આ અંગેની જાણ જિલ્લા પોલીસ કંટ્રોલને કરી હતી. અને જિલ્લા પોલીસ કંટ્રોલે તાલુકા પોલીસને કરતા પી.સી.આર. વાન તેમજ વન મોબાઇલ પોલીસસ્ટાફને થતાં પહોંચી ગઇ હતી. અને એ.ટી.એમ. તોડવાનો પ્રયાસ કરનાર રીઢા ચોરને ઝડપી પાડી પોલીસ મથકમાં લઇ આવી હતી. તે સાથે એ.ટી.એમ. તોડવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ સામાન કબજે કર્યો હતો.

પોલીસ પૂછપરછમાં રીઢો ચોર શિનોર તાલુકાના સેગવા ગામનો અંકિત પાટણવાડીયા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, ચોરી માટે ઉપયોગમાં લીધેલી એક્ટીવા દોઢ-બે માસ પૂર્વે વડોદરાના ગોત્રી વિસાતરમાંથી ચોરી કરી હતી. જ્યારે ગેસ સિલીન્ડર સમીયાલા રોડ ઉપર આવેલ અમર કારના શોરૂમમાંથી ચોરી કર્યો હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસની વધુ તપાસમાં અંકિત પાટણવાડીયા અગાઉ વડોદરાના મકરપુરા પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં અને નવાપુરા પોલીસ મથકમાં તેમજ ડભોઇ પોલીસ મથકમાં મોબાઇલ ચોરીના ગુનામાંબે મોબાઇલ ફોનની ચોરીના ગુનામાં પકડાયો હતો. જે બાદ આજે વહેલી સવારે સમીયાલા ગામ પાસે યુનિયન બેંકનું એ.ટી.એમ. તોડવાના પ્રયાસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની પાસેથી ઓક્સીજન સિલીન્ડર, નાની ગેસની બોટલ, ગેસ કટર, કટીંગ પક્કડ, બોક્સ ટુલ્સ, શટર લોક, સાંકળ, ચપ્પુ, શટર લોકની ચાવીઓ, બે મોબાઇલ ફોન અને એક્ટીવા કબજે કરવામાં આવ્યું છે.

Tags:    

Similar News