વડોદરા : પંડયાબ્રિજથી અક્ષર ચોક સુધીના ફલાયઓવરમાંથી સરકારે હાથ ખંખેર્યા

વડોદરામાં પંડયાબ્રિજથી અક્ષરચોક સુધી નિર્માણ પામી રહેલાં બ્રિજમાંથી રાજય સરકારે હાથ ખંખેરી લીધાં હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

Update: 2022-02-06 09:45 GMT

વડોદરામાં પંડયાબ્રિજથી અક્ષરચોક સુધી નિર્માણ પામી રહેલાં બ્રિજમાંથી રાજય સરકારે હાથ ખંખેરી લીધાં હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરામાં રાજયના સૌથી લાંબા ફલાયઓવરની જાહેરાત કરી હતી. સાડા ત્રણ કીમીની લંબાઇ ધરાવતા આ ફલાયઓવરના નિર્માણ પાછળ 222 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. આ બ્રિજની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. સરકારે વડોદરા મહાનગર પાલિકાને પ્રારંભિક તબકકામાં 74 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી દીધી હતી. માત્ર ત્રણ વર્ષમાં ફલાયઓવરને બનાવી દેવાનું નકકી કરાયું હતું પણ આજે ચાર વર્ષ વીતી ગયાં છતાં બ્રિજ બન્યો નથી. હવે અમે તમને જણાવીશું કે બ્રિજની કામગીરી કેમ અધ્ધરતાલ છે..રાજય સરકારે ૭૪ કરોડ રૂપિયા આપ્યા અને ત્યાર બાદ રાજ્ય સરકારે કોર્પોરેશનને જાણ કરી કે બ્રિજનો બાકી રહેલો ખર્ચ કોર્પોરેશનને મળતી અન્ય ગ્રાંટમાંથી કરવાનો છે. સરકારમાંથી આવેલા આદેશ બાદ કોર્પોરેશનને તેના બજેટમાંથી 60 કરોડ રૂપિયા ફાળવ્યાં છે. જોકે આ જોગવાઇના કારણે એક નવો વિવાદ ઊભો થયો છે.

એક તરફ કોર્પોરેશનની તિજોરી ખાલી છે ત્યારે આ બ્રિજ માટે નાણાં ક્યાંથી લાવવા તે સવાલ સત્તાધીશોને સતાવી રહયો છે. ફલાય ઓવર માટે અત્યાર સુધીમાં કોર્પોરેશને તેની તિજોરીમાંથી 94 કરોડ રૂપિયા ફાળવી દીધાં છે. બ્રિજ માટે નાણા ફાળવવામાં આવે તો શહેરમાં અન્ય વિકાસકામો પ્રભાવિત થાય તેમ છે. નિતિન પટેલ તો જાહેરાત કરીને જતાં રહયાં અને હવે તેમના પાસે મંત્રીપદ પણ રહયું નથી. બ્રિજની અધુરી કામગીરીથી ભીંસમાં મુકાયેલા સત્તાધીશો ફરી સરકારના શરણે ગયાં છે.

2017ની વિધાનસભાની ચૂંટણી વખતે રાજ્ય સરકારે લોભામણી જાહેરાતો કરી પરંતુ ત્યારબાદ આ બ્રિજ માટે નાણાં ફાળવવા માટે સરકારે હાથ ઊંચા કરી લીધા જેના કારણે હવે વડોદરા કોર્પોરેશન માટે મુશ્કેલી સર્જાઈ છે બ્રિજનું કામ પૂરું કર્યા સિવાય છૂટકો નથી અને બ્રિજ બનાવવા માટે કોર્પોરેશન પાસે નાણાં પણ નથી ત્યારે હાલ આ મુદ્દે સાપે છંછુદર ગળ્યાં જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

Tags:    

Similar News