વડોદરા : કિશનવાડી આવાસનો સ્લેબ ધરાશાયી થતા સ્થાનિકોને ઇજા, સતત ત્રીજી દુર્ઘટના ઘટી હોવા છતાં તંત્ર નિદ્રાધીન

કિશનવાડી વિસ્તારના આવાસો 10 વર્ષમાં થયા જર્જરિત બ્લોકમાં સ્લેબ ધરાશાયી થતા મહિલાને ઈજાઓ પહોંચી

Update: 2022-06-26 07:28 GMT

વડોદરા શહેરમાં બીએસયુપી હેઠળના કિશનવાડી વિસ્તારમાં આવેલ આવાસો માત્ર 10 વર્ષમાં જ જર્જરિત થઈ જતા અનેક સવાલો ઉભા થયા છે, ત્યારે આજે વધુ એક બ્લોકમાં સ્લેબ ધરાશાયી થતા મહિલાને ઈજાઓ પહોંચી હતી. આમ સતત ત્રીજી દુર્ઘટના ઘટી હોવા છતાં તંત્ર હજુ નિદ્રાધીન અવસ્થામાં છે.

વર્ષ 2013માં વડોદરા નુર્મ યોજન હેઠળ નિર્માણ પામેલ માધવનગર આવાસ ધરાશાયી થતા 11 લોકોના મોત નિપજયા હતા, ત્યારે હવે આ દર્દનાક ઘટનાનું પુનરાવર્તન કિશનવાડી નુર્મ આવાસમાં થવાની દહેસત વચ્ચે સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે. કિશનવાડી વિસ્તારમાં નુર્મ યોજના હેઠળ આશરે 93 જેટલા ટાવરોમાં 3100 આવાસો સહીત આંગણવાડીનું નિર્માણ કર્યું હતું. જે માત્ર 10થી 12 વર્ષના સમયગાળામાં જ જર્જરિત થઇ ગયા છે. આ આવાસોમાં એકાએક સ્લેબના મોટા ગાબડા પડે છે. જો, ચોમાસામાં પાણી ઉતરશે તો અટલાદરાના માધવ નગરની જેમ ટાવર ધરાશાયી થઇ જમીનદોસ્ત થઇ જવાની અને નિર્દોષોની જાનહાની થવાની પુરેપુરી શક્યતા છે.

અગાઉ બ્લોક નંબર 40 મકાનના નંબર 30ની છત તુટી પડી હતી. સદ્નસીબે આ ઘટના ઘટી, ત્યારે પરિવારનો કોઈ સભ્ય હાજર ન હોય જેથી બચાવ થયો હતો. હાલ મકાન રહેવા લાયક ન જણાતા લોકો અન્ય મકાનમાં રહેવા માટે મજબૂર બન્યા છે. તેવામાં બ્લોક 41માં દાદર પાસેની સીલીંગ તૂટી પડતાં મહિલાને પગમાં ફ્રેક્ચર થયું હતું. આમ ગણતરીના દિવસોમાં ત્રીજી વખત સ્લેબ ધરાશાયી થવાની ઘટનાથી સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે. પરંતુ હજુ સુધી તંત્ર માધવનગરવાળી ઇચ્છતું હોય તેમ સુરક્ષાની વ્યવસ્થા ઊભી કરી રહ્યું નથી.

Tags:    

Similar News