અમદાવાદ : માસ્ક વગર બહાર નીકળતા બે’દરકાર લોકો પાસેથી પોલીસે વસૂલ્યો રૂ. 7 કરોડનો દંડ

Update: 2020-10-07 07:45 GMT

રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે લોકો ગંભીર થવાના બદલે વધુ બેદરકાર થઈ રહ્યા છે. અમદાવાદમાં વાહનચાલકો માસ્ક ન પહેરતા હોવાથી પોલીસે કરોડો રૂપિયાનો દંડ વસૂલ્યો છે. કોરોના સામે અમદાવાદવાસીઓ બેદરકાર સાબિત થતાં કરોડો રૂપિયાનો દંડ ચૂકવવો પડ્યો છે.

ટ્રાફિક પોલીસે બેદરકાર અમદાવાદીઓ સામે લાલ આંખ કરી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા હવે માત્ર વાહનની બેદરકારી નહીં પરંતુ માસ્ક પહેર્યા વગર કોઈ પણ વ્યક્તિ વાહન પર બહાર નીકળે તો તેની સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવે છે. કોરોનાના કહેર વચ્ચે જૂન માસથી ટ્રાફિક પોલીસને આ કામગીરી સોંપવામાં આવી છે, ત્યારે અત્યાર સુધીમાં ટ્રાફિક પોલીસે 52 હજાર લોકો સામે કાર્યવાહી કરી રૂપિયા 1 કરોડથી વધારેની રકમનો દંડ વસૂલ કર્યો છે. જ્યારે અમદાવાદ પોલીસે 7 કરોડનો દંડ વસૂલ્યો છે. આમ અત્યાર સુધીમાં કુલ 8.39 કરોડનો દંડ લોકો પાસેથી વસુલવામાં આવ્યો છે.

અમદાવાદમાં બેદરકારી દાખવવા બદલ લોકોને જૂન માસમાં 15096 મેમો આપી 30,19,200નો દંડ વસૂલવામાં આવ્યો છે, જ્યારે જુલાઈ માસમાં 28,735 મેમો આપી રૂપિયા 57,47,000નો દંડ વસૂલવામાં આવ્યો છે, ત્યારે ઓગસ્ટ માસમાં 2443 મેમો આપી રૂપિયા 13,55,700 નો દંડ વસૂલાયો છે. જોકે સપ્ટેમ્બર માસમાં 5,514 મેમો આપી રૂપિયા 55,14000નો દંડ લેવામાં આવ્યો છે. જ્યારે ચાલુ માસમાં અત્યાર સુધીમાં 1325 મેમો બનાવી રૂપિયા 13,25,000 વસૂલવામાં આવ્યા છે. જોકે અમદાવાદ પોલીસની કડક કાર્યવાહીના કારણે અનેક વાહનચાલકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે

Tags:    

Similar News