પંચમહાલ : સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૧૯ અંતર્ગત પંચમહાલ જિલ્લાને એવોર્ડ પ્રાપ્ત થયો

Update: 2019-11-20 12:26 GMT

ભારત સરકારે સમગ્ર દેશમાં કરેલા સ્‍વચ્‍છતા સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૧૯ અંતર્ગત પંચમહાલ જિલ્લાને રાજયમાં પશ્ચિમ ઝોનમાં ત્રીજો તેમજ દેશમાં પંદરમો ક્રમ મળ્યો છે. મંગળવારે દિલ્‍હી ખાતે કેન્‍દ્રીય મંત્રી સદાનંદ ગોડાના વરદ્ હસ્‍તે જિલ્‍લા વિકાસ અધિકારી એ.જે.શાહ અને તેમની ટીમને એસ.એચ.જી. ૨૦૧૯ ના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

કેન્‍દ્ર સરકાર દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સ્‍વચ્‍છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત સપ્‍ટેમ્‍બર માસમાં દેશના તમામ જિલ્‍લાઓમાં કેન્‍દ્ર સરકારની ટીમ ઘ્‍વારા નિયત કરાયેલી એજન્‍સી મારફતે પંચમહાલ જિલ્‍લાના ૨૪ ગામોમાં સ્‍વચ્‍છતા સર્વેક્ષણ અંતર્ગત સ્‍વચ્‍છતાની કામગીરીનું મૂલ્‍યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા, આંગણવાડી, આરોગ્‍ય કેન્‍દ્ર, ધાર્મિક સ્‍થળો સહિત વિવિધ સ્‍થળોની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. સ્‍થળ પર શૌચાલયનો ઉપયોગ તેમજ તે વિસ્‍તારની સફાઈના આધારે મૂલ્‍યાંકન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ટીમે ગામના સામાન્‍ય નાગરિકોના પ્રતિભાવો પણ લીધા હતા. આ સ્‍વચ્‍છતા સર્વેક્ષણમાં પંચમહાલ જિલ્‍લો ગુજરાત રાજ્યમાં તેમજ દેશના પશ્ચિમ ઝોનમાં ત્રીજા ક્રમે અને સમગ્ર દેશમાં પંદરમાં ક્રમે રહ્યો છે. દિલ્‍હી ખાતે યોજાયેલા એક સમારોહમાં જિલ્‍લા વિકાસ અધિકારી એ.જે.શાહ અને જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક આર.પી.ચૌધરી તેમજ ડીસ્‍ટ્રીકટ કો. ઓર્ડીનેટર રૂપલ સોલંકીને સ્‍વચ્‍છતા સર્વેક્ષણ ગ્રામીણ એવોર્ડ નવાજવામાં આવ્યો હતો.

Similar News