ભરૂચ સિવિલ હોસ્પિટલના વેસ્ટ સ્ટોરેજ રૂમમાંથી દર્દીનો મૃતદેહ મળ્યો

Update: 2019-09-06 08:43 GMT

હાથમાં વેઈન ફ્લો લગાવાયેલી હોવાથી મૃતક ઇન્ડોર પેશન્ટ હોવાનું અનુમાન

ભરૂચ સિવિલ હોસ્પિટલના વેસ્ટ સ્ટોરેજ રૂમમાંથી અજાણ્યા વ્યકતિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના હાથમાં વેઇન ફલો મળી આવતાં તે ઇન્ડોર પેશન્ટ હોવાની શકયતાઓને ધ્યાને રાખી પોલીસ તથા સિવિલ સત્તાધીશોએ વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ સિવિલ હોસ્પીટલ પટાંગણમાં જ એક ઓરડીમાં હોસ્પીટલમાંથી નીકળતો મેડીકલ વેસ્ટ અલગ અલગ પ્લાસ્ટીકની થેલીઓમાં ભરી એકત્રીત કરી નિકાલ કરવા માટે આપવામાં આવે છે. આજે સવારે પણ હોસ્પીટલના સેવક પોતાના નિત્યક્રમ મુજબ મેડીકલ વેસ્ટની થેલીઓ લઈ રૂમમાં મુકવા ગયા હતાં. ત્યારે એક આધેડને ત્યાં પડેલો જોયો હતો. તેણે તાત્કાલિક હોસ્પિટલ સત્તાધીશોને જાણ કરી હતી. આરએમઓ તથા પોલીસ સ્ટાફે તપાસ કરતાં આધેડ મૃત્યુ પામ્યો હોવાનું બહાર આવ્યું હતું. તેના હાથ ઉપર નીડલ લગાવાયેલી જોવા મળતાં મૃતક આધેડ સારવાર હેઠળ હોય તેમ લાગી રહ્યું હતું. હાલમાં તો પોલીસે તે કયાંનો હતો?કોણ હતો? કેટલા સમયથી સિવિલ હોસ્પીટલમાં સારવાર હેઠળ હતો સહીતની બાબતોની તપાસ સાથે તેના વાલી વારસોની શોધ આરંભી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલો દર્દી વેસ્ટ સ્ટોરેજ રૂમ સુધી કેવી રીતે પહોંચ્યો અને તેનું મૃત્યુ કયાં સંજોગોમાં થયું છે તે સવાલો હજી લોકોના મનમાં ઉદભવી રહયાં છે.

Tags:    

Similar News