ભરૂચમાં PMની કલાકની સભા માટે છાત્રોની 3 મહિનાની મહેનત પર ફેરવાયું જેસીબી
ભરૂચમાં આઠમી ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા માટે કૃષિ યુનિવર્સીટીના મેદાન ખાતે તૈયાર થયેલો પાક કાપી નાખવામાં આવતાં છાત્રોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. એક કલાકની સભા માટે 3 મહિનાની મહેનત બાદ ઉગાડેલા કપાસ તથા શાકભાજીના છોડ પર જેસીબી ફેરવી દેવામાં આવતા વિદ્યાર્થીઓએ વિરોધ વ્યક્ત કરી જિલ્લા કલેકટર ને લેખિત ફરિયાદ કરી છે.
કૃષિ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ તેમના સંશોધન અને પ્રેકટીકલ વર્ક માટે વિશાળ ખેતરમાં ત્રણ મહિનાની મહેનત બાદ કપાસ અને શાકભાજીનું વાવેતર કર્યું હતું. વડાપ્રધાનની સભાને અનુલક્ષી ખેતરમાં તૈયાર થયેલાં પાક પર જેસીબી ફેરવી દેવાતાં વિદ્યાર્થીઓ સમસમી ઉઠયાં છે. તેમના જણાવ્યા અનુસાર તેમના પ્રેકટીલ તથા સંશોધન માટે આ જમીન બહુ ઉપયોગી છે. આ સેન્ટરમાંથી ખેડૂતોને અદ્યતન બિયારણ પણ આપવામાં આવે છે ત્યારે વિકાસના નામે થઇ રહેલા વિનાશ માટે જવાબદાર કોણ? તેવા સવાલો વિદ્યાર્થિયો એ ઉઠાવ્યા છે.