રાજકોટમાં BOB ATM મશીન કટરથી કાપીને રોકડ લૂંટવાનો પ્રયાસ

Update: 2016-07-13 14:39 GMT

સુરક્ષાકર્મીને લૂંટારૂઓએ દોરીથી બાંધીને આયોજન બધ્ધ ઘટનાને અંજામ આપવા ગયા પરંતુ નિષ્ફ્ળ રહ્યા

રાજકોટના એંસી ફૂટ રોડ પર ફિલ્ડ માર્શલ નજીક બેંક ઓફ બરોડાના ATM મશીનને કટરથી કાપીને તેમાં રહેલ રોકડ લૂંટવાનો પ્રયાસ લૂંટારૂઓએ કર્યો હતો.

જાણવા મળ્યા મુજબ રાજકોટના એંસી ફૂટ રોડ પર ફિલ્ડ માર્શલ નજીક બેન્ક ઓફ બરોડા આવેલી છે, જેના ATM મશીન પણ ત્યાંજ છે. તારીખ 12મી ની રાત્રે ચાર બુકાનીધારી લૂંટારુઓ ATM સેન્ટર પર મારક હથિયારો વડે ધસી આવ્યા હતા અને સુરક્ષાકર્મી પોપટ રાણાભાઇ કંડોલિયા ઉ.વ.55ને દોરીથી બાંધી દઈને ATM મશીનને ઇલેક્ટ્રિક કટરથી કાપીને મશીનમાં રહેલી રોકડની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મશીનમાં જ્યાં રોકડ રાખવામાં આવે છે તે સ્થાન લૂંટારૂઓ કાપી ન શકતા સુરક્ષાકર્મીનો મોબાઈલ તેમજ ATM કાર્ડ અને પરચુરણ પૈસા લઈને ફરાર થઈ ગયા હતા.

જાણવા મળ્યા મુજબ ATM સેન્ટરમાં બે મશીન હતા એક રોકડ ઉપાડવા માટે અને બીજુ મશીન રોકડ જમા કરવા માટે હતું અને બંને મશીનો મળીને અંદાજિત 15 લાખ ઉપરાંતની રોકડ તેમાં હોવાનું કહેવાય છે.

હાલ રાજકોટના થોરાળા પોલીસે ઘટના અંગે ફરિયાદ દર્જ કરીને ATM સેન્ટરના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને ચાર લૂંટારૂઓનું પગેરૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.સુરક્ષાકર્મીએ પોલીસ સમક્ષ ચારેય લૂંટારૂઓ હિન્દી ભાષા બોલતા હોવાનું અને મોઢે બુકાની બાંધી હોવાનું નિવેદનમાં નોંધાવ્યું હતું.

 

 

Similar News