વલસાડ જિલ્લામાં ગ્રાસરૂટ લેવલે મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસની ઉજવણી કરાઇ

Update: 2019-08-11 06:24 GMT

વલસાડ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયું ઉજવણીના ભાગરૂપે તમામ તાલુકા ઘટકના સેજાઓમાં ગ્રાસરૂટ લેવલે મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસની ઉજવણી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

આ ઉજવણી અંતર્ગત પારનેરા પારડી પ્રા.શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહિલા યુવા બાળ સમિતિના ચેરમેન ભાનુબેને ઉપસ્થિત રહયા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજની કિશોરી ભવિષ્યની માતા છે અને માતા તંદુરસ્ત હશે તો જ બાળક તંદુરસ્ત અવતરશે, તે ધ્યાને રાખી દરેક મહિલાઓએ પોષણની સમજ કેળવવાની સાથે કુપોષણના કારણો કયા છે તેની જાણકારી મેળવી પોષણયુક્ત આહાર લેવા અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારના બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન અંગે વિસ્તૃત જાણકારી આપતાં તેમણે દીકરીનું કુટુંબ અને સમાજમાં જરૂરી મહત્ત્વ મળી રહે તે માટે સૌ કાળજી રાખે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.

વલસાડ જિલ્લાના તમામ ઘટકના સેજાઓની આંગણવાડીમાંથી સગર્ભા, ધાત્રી, કિશોરીઓને અમૂલ ટી.એચ.આર. આપવામાં આવી છે. તેમાંથી બહેનો દ્વારા વાનગી હરિફાઇ કરવામાં આવી હતી અને ટી.એચ.આર.માંથી કઇ-કઇ વાનગીઓ બનાવી શકાય તેનું પ્રત્યક્ષ નિદર્શન પણ કરાયું હતું. પૌષ્ટિક વાનગી બનાવનાર મહિલાઓને ઇનામ આપી સન્માનિત કરાઇ હતી. પ્રોગ્રામ ઓફિસરો, મેડીકલ ઓફિસરો, ઘટકના બાળ વિકાસ યોજના અધિકારીએ આરોગ્ય પોષણ અને સંકલિત બાળ વિકાસ યોજનાઓની જાણકારી આપી હતી. આ કાર્યક્રમોમાં જિલ્લાના સંબંધિત વિસ્તારોના આંગણવાડી કાર્યકર બહેનો, માતાઓ, કિશોરીઓ અને ગ્રામજનો હાજર રહયા હતા.

Similar News