વલસાડમાં બુટલેગરો બેફામ બન્યા : ફિલ્મી સ્ટાઇલે યુવાનના માથામાં બાટલી ફોડી

Update: 2018-06-16 05:00 GMT

બાતમી આપ્યાની શંકામાં સાત બાઇક પર આવેલા માથાભારે તત્વોએ ઘેરીને ઢોર માર માર્યો, પોલીસે બે દિવસે ફરિયાદ લીધી વલસાડ,

વલસાડના શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. વલસાડમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ તો ચાલી રહ્યું છે, પરંતુ દારૂનું વેચાણ કરનારાઓની દાદાગીરી પણ આસમાને ચઢી રહી છે. પોલીસની છત્રછાયામાં ઉછરેલા આ બુટલેગરોએ નાનકવાડાના બે યુવાનોને બાતમી આપી હોવાના વહેમમાં ઢોર માર માર્યો હતો.

બીજી તરફ પોલીસે માર ખાનારને પોતાની હદમાં ગુનો બન્યો ન હોવાનું કહી બે દિવસ રખડાવ્યો હતો. વલસાડના નાનકવાડામાં રહેતા સંદિપ પટેલ અને હાર્દીક પટેલ બે દિવસ અગાઉ રાત્રી દરમિયાન કૈલાસ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ફિલ્મી સ્ટાઇલે ૭ બાઇક પર આવેલા ૧૨ જેટલા માથાભારે તત્વોએ તેમને ઘેરી લીધા હતા. જેમાં સુનિલ ઉર્ફે ચોગી, મનિષ ઉર્ફે ગોટીયો, નિકુંજ ઉર્ફે કાળિયો, કટલો તેમજ ટકલો સહિતના કેટલાક યુવાનોએ તેમની બાઇક આંતરી ઢોર મારમારી હાર્દિકના માથામાં દારૂની બાટલી ફોડી હતી.

જેના પગલે હાર્દિક લોહી લુહાણ થઇ જતાં તેને સરવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવો પડયો હતો. આ ઘટના સંદર્ભે સંદિપની પોલીસ ફરિયાદ કરવા માટે બે દિવસ સુધી રઝળ્યો હતો. આ બનાવ સિટી પોલીસ મથકની હદમાં બન્યો કે રૂરલ પોલીસની હદમાં બન્યો તેની જાણકારી મેળવવા બંને પોલીસને બે દિવસ લાગ્યા હતા.

ત્યારબાદ પોલીસે ગુરૂવારે મોડી સાંજે ૧૨ માથાભારે તત્વો સામે ગુનો દાખલ કર્યો હતો. આ મારામારી પોલીસને બાતમી આપવાના વહેમમાં થઇ હતી. મારનારા પૈકી કેટલાક નામચીન બુટલેગરો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસ જાહેરમાં દાદાગીરી કરતા બુટલેગરો સામે ક્યારે પગલાં ભરશે એ જોવું રહ્યું.

 

Similar News