વાપીના પંડોરમાં ૩ બુકાનીધારીએ સગીરાને ૧૦ કલાક રાખી બાનમાં

Update: 2018-06-30 04:27 GMT

  • સગીરાનું અપહરણ કરી તેને ૧૦ કલાક કારમાં ફેરવ્યે રાખી રાત્રીના ગામમાં અર્ધબેભાન હાલતમાં ફંકી ગયા

વાપી તાલુકાના પંડોર ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી ગુરુવારે સવારે ઇકો કારમાં આવેલા ત્રણ બુકાનીધારીઓએ એક સગીરાનું અપહરણ કરી તેને ૧૦ કલાક કારમાં ફેરવી રાતના ગામમાં અર્ધબેભાન હાલતમાં ફંકી ગયા હતા. બાદમાં તે સગીરાની હાલત કથળતા તેને સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.

ઘટના ની પ્રાપ્ત વિગત અનુસાર વાપી નજીકના પંડોર ગામે કોઢાર ફળિયામાં રહેતા એક આદિવાસી ગરીબ પરિવારની ૧૨ વર્ષીય સગીરા ગુરુવારે સવારે ૯ કલાકે ઘરેથી શાળાએ જવા માટે ચાલતી નીકળી હતી. તે સમયે પંડોર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી કાળા કાચવાળી ઇકો કારમાં ત્રણ બુકાનીધારી ઇસમો આવ્યા હતા.

જેઓએ તે સગીરાનો હાથ પકડી કારમાં ખેંચી લઇ મો રૂમાલ વડે દબાવી દીધું હતું. રૂમાલમાં કંઇક તીવ્ર દુર્ગંધવાળો પદાર્થ સુંઘાડી વાળ પકડીને તે સગીરાને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી અપી હતી. જે બાદ સગીરાને અર્ધ બેહોશ કરી અને તે પછી આખો દિવસ કારમાં ફેરવી હતી.

આખરે સાંજે સાડા સાત વાગ્યાના સુમારે પંડોર તેના ઘર નજીકના વિસ્તારમાં સગીરાને કારમાંથી ફંકી દઈ અપહરણકર્તા નાસી છૂટયા હતાં.

બીજી તરફ આ સગીરાની શોધખોળ કરી રહેલો પરિવાર ત્યાં પહોંચતા તેમણે દીકરીની અર્ધબેભાન હાલત જોઇ હતી. જેથી પરિવાર ગભરાઈ ગયો હતો અને તુરંત તે સગીરાને સ્થાનિક દવાખાને સારવાર અર્થે લઇ ગયા હતાં.જો કે, વધુ સારવારની જરૂર જણાતા તે સગીરાને ત્યાંથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

સારવાર મળતાં હોશમાં આવેલી આ સગીરાએ માતા-પિતા સમક્ષ સમગ્ર હકીકત બયાન કરતાં આ ઘટનાની ગંભીરતા સમજી ઘટનાની ફરિયાદ ડુંગરા પોલીસ મથકે સગીરાના પિતાએ કરી હતી. ઘટના અંગે પોલીસે અજાણ્યા અપહરણહર્તા સામે આઇ.પી.સી. ૩૬૩, ૩૬૮, ૩૨૮, ૩૨૩, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પોસઇ રાઠોડે હાથ ધરી છે.

 

 

 

Tags:    

Similar News