સ્વ.લક્ષ્મીબેનની વિદાય પણ બની અમર,બે વ્યક્તિને મળશે રોશની અને મેડિકલના વિદ્યાર્થીઓ કરશે અભ્યાસ
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી ચક્ષુદાન, દેહદાન, રક્તદાન તેમજ સાધન સહાય જેવી પ્રશંસનીય સામાજિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સહયોગથી અંકલેશ્વરમાં વધુ એક વખત માનવતા મહેકી ઉઠી છે. અંકલેશ્વર ખાતે રહેતા 90 વર્ષીય સ્વ.લક્ષ્મીબેન મોહનભાઈ માવાણીનું બુધવાર, તારીખ 20/05/2026 ના રોજ દુઃખદ નિધન થયું હતું.
સ્વ.લક્ષ્મીબેનની અંતિમ ઈચ્છા પોતાના મૃત્યુ બાદ ચક્ષુદાન અને દેહદાન કરવાની હતી. વડીલની આ પવિત્ર અને પરોપકારી ભાવનાને માન આપતા તેમના પુત્ર માવજીભાઈ માવાણી તથા સમગ્ર માવાણી પરિવારે શોકના માહોલમાં પણ એક અત્યંત પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. પરિવારે તુરંત જ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચનો સંપર્ક સાધીને ચક્ષુદાન અને દેહદાન કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચની ટીમ દ્વારા મૃતક સ્વ. લક્ષ્મીબેનના દેહને પરિવારજનોની ઉપસ્થિતિમાં યોગ્ય સન્માન અને આદરપૂર્વક અંજલિ આપવામાં આવી હતી. ભવિષ્યમાં સમાજને ઉત્તમ ડોક્ટરો મળી રહે અને મેડિકલના વિદ્યાર્થીઓ માનવ શરીરની સંરચનાનો યોગ્ય અભ્યાસ કરી શકે તે હેતુથી સદગતના પાર્થિવ દેહને ઝાયડસ મેડીકલ કોલેજ, દાહોદ ખાતે મોકલવામાં આવ્યો હતો. દાહોદ મેડિકલ કોલેજના જનરલ મેનેજર હેતલ રાવ દ્વારા આ દેહદાનનો સ્વીકાર કરી આ પવિત્ર કાર્યમાં સહયોગ આપવામાં આવ્યો હતો. આ સાથે જ, નહાર આઈ બેંક અંકલેશ્વર દ્વારા સદગતના ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા અત્યાર સુધીમાં સેવાભાવી પરિવારોના સહકારથી કુલ 1231 ચક્ષુદાન અને 23 દેહદાન મેળવવામાં સફળતા મળી છે. માવાણી પરિવાર દ્વારા લેવાયેલા આ પ્રેરણાદાયી નિર્ણયથી બે અંધ વ્યક્તિઓના અંધકારમય જીવનમાં રોશનીનો નવો પ્રકાશ ફેલાશે, તેમજ મેડિકલના વિદ્યાર્થીઓને સંશોધનમાં મોટી મદદ મળશે.
સમગ્ર પંથકમાં માવાણી પરિવારની આ સામાજિક ચેતના અને ઉમદા કાર્યને બિરદાવવામાં આવી રહ્યું છે. પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
