Connect Gujarat
Featured

અરવલ્લી : મેઘરજમાં મશરૂમની ખેતી, ખેડૂતો સ્વયં ક્રાંતિના માર્ગે

અરવલ્લી : મેઘરજમાં મશરૂમની ખેતી, ખેડૂતો સ્વયં ક્રાંતિના માર્ગે
X

મશરૂમને આરોગનાર રસીયાઓને હવે મશરૂમ માટે હરીયાણા, રાજસ્થાન, હીમાચલ પ્રદેશ કે જમ્મુ-કાશ્મીર જવાની જરૂર નથી કારણ કે, હવે અરવલ્લીમાં મેઘરજ તાલુકાના એક ખેડૂતે મશરૂમની સફળ ખેતી કરી છે.

ગુજરાત ખેતીથી સમૃદ્ધ પ્રદેશ છે. અહી વિવિધ પ્રકારની ખેતી કરવામાં આવે છે. પરંપરાગત રીતે ખેડૂતો જમીનને અનુરૂપ વાવણી કરી ખેતી કરતાં હોય છે. પરંતુ વર્તમાનમાં ખેડૂતોમાં નવી ક્રાંતિ જોવા મળી રહી છે. પરંપરાગત ખેતી છોડી કિસાન ખેતીમાં પરીવર્તન લાવી રહ્યો છે. સ્ટ્રોબેરી, થાઈલેંડ જામફળ તેમજ ડ્રેગન ફ્રૂટ સહિતના પાકની ખેતી કરી વધુ ફાયદો મેળવી રહ્યા છે. ત્યારે હવે મશરૂમની ખેતી કરી અરવલ્લી જિલ્લાના ખેડૂતે નવી રાહ ચીંધી છે.

મેઘરજ તાલુકાના કસાણા ઉકરડી ગામના લવજી ભાઈ પ્રિયદર્શી નામના એક ખેડૂતે પોતે ખેતીમાં નવીન ક્રાંતિ લાવવા અને મજૂરીથી બચવા માટે ફક્ત બે મહિનામાં તૈયાર થતી મશરૂમની ખેતી કરી અનેક ખેડૂતોને આગવું ઉદાહરણ પુરું પાડ્યું છે. મશરૂમની ખેતી એક એવી ખેતી છે કે જેને પ્લાસ્ટિકની થેલીમાં ઘાસની અંદર બિયારણ મુકવામાં આવે છે અને આ મશરૂમના બિયારણને ઠંડી જગ્યામાં રાખવામાં આવે છે અને સવાર સાંજે ફુવારાથી પાણી છાંટવામા અાવે છે.

તેમજ આ એક યુનિટ પાછળ આશરે પાંચ હજારનો ખર્ચો થતો હોય છે ત્યારે ઉકરડી ગામના ખેડૂતે દસ યુનિટ તૈયાર કર્યા છે જેમાં આશરે પચાસ હજારનો ખર્ચો થયો છે. આ મશરૂમનો પાક બે મહિના પછી તૈયાર થઇને બીજા રાજ્યમાં મોકલવામાં આવે છે જેમાં લીલી મશરૂમનો ભાવ કિલોના 100 રૂપિયા અને સૂકી મશરૂમના 800 રૂપિયાના ભાવે વેચી શકાય છે. ત્યારે આવા સમયે કસાણા ઉકરડીના ખેડૂતે મશરૂમની ખેતી કરી ખેતીના ખર્ચા કરતા ત્રણ ગણી આવક મેળવી નવીન ખેતીનો પ્રયાસ કર્યો છે.

Next Story