Connect Gujarat
Featured

અરવલ્લી : બાયડના સેવાભાવી આશ્રમમાં દિવ્યાંગ મહિલાઓની થાય છે નિઃસ્વાર્થ સેવા

અરવલ્લી : બાયડના સેવાભાવી આશ્રમમાં દિવ્યાંગ મહિલાઓની થાય છે નિઃસ્વાર્થ સેવા
X

અરવલ્લી જિલ્લાના બાયડમાં એક માનવ હિતેચ્છી દ્વારા આશ્રમ ઊભું કરવામાં આવ્યું છે. રોડ પર માનસિક રીતે અસ્વસ્થ મહિલાને લોકોએ પીડા આપી,, અને આવી મહિલાની ચિંતા કરીને એક એવો આશ્રમ ઊભો કર્યો કે, હવે માનસિક રીતે અસ્વસ્થ દિવ્યાંગ મહિલાઓને બાયડ ખાતે સેવા કરવામાં આવી રહી છે,, મક્કમ મનોબળથી શરૂ કરેલો આશ્રમ આજે સુરખનું સરનામું બની ગયું.

અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલ જય અંબે દિવ્યાંગ મહિલા સમાજ સેવા ટ્રસ્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી દિવ્યાંગ અને માનસિક રીતે અસ્વસ્થ મહિલાઓની નિસ્વાર્થપણે સેવા કરવામાં આવી રહી છે. અહીંના પ્રમુખ અશોકભાઈ જૈને આ બીડું ઉપાડ્યું છે. આશ્રમ શરૂ કરવા પાછળનું કારણ પણ ખૂબ જ હ્રદયસ્પર્શી છે, કેટલાક વર્ષ પહેલા બાયડ બસ સ્ટેન્ડ નજીક અસ્થિર મગજની કોઈ મહિલા ઉપર ટોળું ક્રુર બની પથ્થર વરસાવી રહ્યું હતું. આ ટોળાનો કોલાહલ સાંભળી બસ સ્ટેન્ડ પાસે કટલરીની દુકાન ધરાવતા અશોકભાઈ જૈન ત્યાં દોડી ગયા અને મંદબુદ્ધિ ધરાવતી મહિલાની દયનીય સ્થિતિ જોઈ તેમનુ હૃદય દ્રવી ઉઠ્યું. તેઓએ ટોળાને વિખેર્યું અને મહિલાની સારવાર કરાવી. ત્યારથી જ અશોકભાઈ જૈન તેમજ તેમના મિત્રોએ આવી મહિલાઓની સેવા કરવાની ભગીરથ મુહિમ ઉપાડી લીધી.

ભાડાની જગ્યા પર શરૂ કરેલા સેવા આશ્રમ શરૂ કર્યો ત્યારે ત્રણ મહિલાઓ હતી,, આજે એક સો પાંત્રિસ મહિલાઓની જય અંબે દિવ્યાંગ મહિલા સમાજ સેવા દ્વારા સેવા કરવામાં આવી રહી છે. અરવલ્લી અને આસપાસના જિલ્લાઓમાંથી 181 અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ દ્વારા મળી આવતી માનસિક રીતે અસ્થિર, બિનવારસી તેમજ જેનું કોઇ નથી તેવી મહિલાઓને અહીં રાખવામાં આવે છે. મહિલાઓની નાની મોટી દરેક સારવાર પણ કરવામાં આવે છે.

અહીં રહેતી મહિલાઓને કોઇ જ પ્રકારની તકલીફ ન પડે તેનું પુરેપુરૂ ધ્યાન અહીંના સ્વયંસેવકો દ્વારા રાખવામાં આવે છે. પરિવારથી વિખૂટી પડેલી રાજ્ય તથા આંતરરાજ્યની કુલ 117 જેટલી મહિલાઓને તેમના પરિવાર સાથે મિલન પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. ભોજન સહિતની તમામ ઉત્તમ વ્યવસ્થા લાચાર મહિલાઓને નિઃસ્વાર્થ ભાવે આપવામાં આવે છે.

એકવાર અહીં સ્વસ્થ થયા પછી કેટલીક વાર તો મહિલાઓ અહીંથી જવાનું વિચારતા નથી. જ્યારે આ આશ્રમથી વિખુટા પડે છે, ત્યારે મહિલાઓના આંખોમાં આંસુ પણ જોવા મળતા હોય છે. કેટલીક મહિલાઓ તો હવે અહીં જ સેવા કરવાનું નક્કી કરી લે છે. જેમાંથી એક છે, ક્રિષ્ના અમિન, ક્રિષ્ના અમિન સાથે પણ આવો જ કિસ્સો બન્યો હતો. પહેલા તે એરલાઈન્સ કંપનીમાં એર હોસ્ટેસ તરીકે કાર્ય પણ કરી ચુકી છે.

જેને સેવા કરવી છે, તેને ક્યાંય જવું પડતું નથી. બાયડના જય અંબે દિવ્યાંગ મહિલા સમાજ સેવા ટ્રસ્ટમાં દેશના વિવિધ રાજ્યની મહિલાઓ છે, દરેકની ભાષા અલગ છે અને માનસિક રીતે અસ્થિર, પણ આવા સમયમાંથી મહિલાઓના જલદી સ્વસ્થ થવાના પ્રયાસો કરીને સંસ્થાના આગેવાનો અહીંની તમામ મહિલાઓના જીવનમાં પ્રકાશ પાથરવાનું કાર્ય કરી રહ્યા છે.

Next Story