Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : પાણીની સમસ્યાનો ચિતાર મેળવવા ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં યોજાઇ વીડિયો કોન્ફરન્સ

અરવલ્લી : પાણીની સમસ્યાનો ચિતાર મેળવવા ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં યોજાઇ વીડિયો કોન્ફરન્સ
X

અરવલ્લી જિલ્લામાં ગત ચોમાસામાં સારો વરસાદ થયો હતો, તેમ છતાં અંતરિયાળ વિસ્તારના મેઘરજ અને ભિલોડા તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની તંગી વર્તાઇ રહી છે. પાણીની તંગીને લઇને તાબડતોબ બેઠકોનો ધમધમટા તેજ થયો છે અને પીવાનું પાણી પહોંચાડવા તંત્ર દોટ મૂકી રહ્યું છે. જિલ્લા પ્રભારીએ વહીવટી તંત્રના અધિકારી સાથે બેઠક યોજ્યા બાદ વધુ એક બેઠક ચીફ સેક્રેટરી જે. એન. સિંઘની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઇ હતી.

અંતરિયાળ વિસ્તારોમાં તંત્રની ક્યાંકને ક્યાંક બેદરકારીથી લોકો તરસી રહ્યાની બૂમો પડી રહી છે. કારણ કે, જળાશયોમાં પૂરતું પાણી છે તેમ છતાં પીવાના પાણી માટે લોકોને વલખાં મારવા પડી રહ્યા છે. ક્યાંક પાણી છે તો હેન્ડ પંપ બંધ છે, ક્યાં હેન્ડ પંપ છે તો પાણી નથી આવતું. ત્યારે હવે બેઠકમાં પાણીની સમસ્યાને સત્વરે હલ કરવા ચિંતન કરવામાં આવી રહ્યું છે.

ગાંધીનગર ખાતેથી ચીફ સેક્રરીની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉનાળા દરમિયાન પીવાના પાણીથી અસરગ્રસ્ત ગામડાઓમાં પાણીના ટેન્કર પહોંચાડવા તેમજ બોર અને બોરની મોટર અંગે ચર્ચા કરાઇ હતી. આ સાથે સુજલામ સુફલામ્ યોજના હેઠળ ચાલતી કામગીરીનો ચિતાર ચીફ સેક્રેટરીએ મેળવ્યો હતો. વધુમાં જે ગામડાઓમાં હેન્ડ પંપ બંધ હોય તેના પંપને તાત્કાલિક ધરણે રીપેરિંગ કરવા વિશેષ ભર મૂકાયો હતો.

જિલ્લા સેવાસદનના વીડિયો કોન્ફરન્સ હૉલ ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર એમ. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હર્ષિત ગોસાવી, નિવાસી અધિક કલેક્ટર આર. જે. વલવી સહિત પાણી પુરવઠાના અધિકારી પણ ચર્ચામાં જોડાયા હતા.

Next Story