/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/19175557/maxresdefault-222.jpg)
ભરૂચ સીટીઝન કાઉન્સીલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આકાર પામનાર “રેવા અરણ્ય” પ્રોજેક્ટના બીજા તબક્કાનો પ્રારંભ બુધવારના રોજ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો.
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વિશાળ પક્ષીઓના આશ્રય સ્થાન અને વૃક્ષ આચ્છાદિત વન “રેવા અરણ્ય”ને અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક આવેલ સામ્રાજ્ય સોસાયટી સામેના વિસ્તારથી ગોલ્ડન બ્રિજના છેડા સુધી વિકસાવવાનું કાર્ય ભરૂચ સીટીઝન કાઉન્સીલ ટ્રસ્ટ તથા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ગત વર્ષે પ્રથમ તબક્કામાં 590 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
જે પૈકી હાલમાં 560 જેટલા વૃક્ષો હયાત છે, ત્યારે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ભાવના દેસાઇ, ભરૂચ સીટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ, સેક્રેટરી હરીશ જોષી, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર મહમ્મદ જાડલીવાલ, કૃષિ તજજ્ઞ નિતિનભાઈ, સહયોગી ઉધોગોના પ્રતિનિધિઓ, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સભ્યો સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં અકીરા મિયાવાકી પધ્ધતિથી વન ઊભું કરવામાં આવશે. અકીરા મિયાવાકી પદ્ધતિ એટલે વૃક્ષો વચ્ચે ઝડપથી વિકાસ પામવાની સ્પર્ધા થાય તે રીતે વૃક્ષોની વાવણી. આ પદ્ધતિ અંતર્ગત 900 ચોરસ મીટરમાં 1800થી 2000 રોપાઓનું વાવેતર કરવામાં આવશે.
બીજા તબક્કાનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યુ હતું કે, ભરૂચ સીટીઝન કાઉન્સીલ તથા સામાજિક વનીકરણ વિભાગનો આ પ્રયાસ આવકાર દાયક છે. આપનો જિલ્લો ઔધ્યોગિક જિલ્લો છે, ત્યારે પ્રદૂષણને નાથવા માટે વધુને વધુ વૃક્ષોનું વાવેતર થાય તે ખૂબ જરૂરી છે. દરેક સેવાભાવી સંસ્થાઓ તેમજ ઉધ્યોગોએ પણ આવી પ્રવૃત્તિઓમાં સહયોગ આપી અરણ્ય ઊભું થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. ઉપરાંત સામાજિક વનીકરણ વિભાગના ભાવના દેસાઇએ “રેવા અરણ્ય” પ્રોજેક્ટને આવકાર્યો હતો. સાથે જ અન્ય લોકો પણ આ પ્રકારના પ્રોજેક્ટથી પ્રેરાય અને સેવાભાવી સંસ્થાઓને સહકાર આપે તેવી અપીલ કરી હતી.