Connect Gujarat
Featured

ભરૂચ : બર્ડ ફલુને રોકવા તંત્ર એકશનમાં, પોલ્ટ્રી ફાર્મ અને ચીકનની દુકાનોની થશે તપાસ

ભરૂચ : બર્ડ ફલુને રોકવા તંત્ર એકશનમાં, પોલ્ટ્રી ફાર્મ અને ચીકનની દુકાનોની થશે તપાસ
X

પાડોશી રાજયોમાં બર્ડ ફલુનો પગપેસારો થયા બાદ ગુજરાતમાં પણ સરકાર સર્તક બની છે. ભરૂચમાં પણ મુખ્ય પશુ ચિકિત્સકના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં સંભવિત બર્ડ ફલુને રોકવા માટે પોલ્ટ્રીફાર્મ અને ચીકનની દુકાનો પર તપાસ હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બર્ડ ફલુના વાયરસે દેખા દેતાં ગુજરાત સરકાર પાણી પહેલાં પાળ બાંધી રહી છે. બંને પાડોશી રાજયોમાં બર્ડ ફલુના કારણે પક્ષીઓના મોતના કિસ્સાઓ સામે આવી રહયાં છે. ભરૂચ જીલ્લામાં બર્ડ ફલુનો એક પણ કેસ નોંધાયો નથી તેમ છતાં બર્ડફલુ ફેલાય નહીં તેની સાવચેતીના ભાગરૂપે આજે જીલ્લામાં પશુ ચિકિત્સકોની બેઠક મળી હતી. બેઠકમાં બર્ડ ફલુને ફેલાતો કેવી રીતે રોકી શકાય તે સંદર્ભમાં ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.

ભરૂચ જીલ્લા તેમજ તાલુકાનાં તમામ પોલ્ટ્રી ફાર્મ અને વિદેશી પક્ષીઓનાં આશ્રય સ્થાનો પર પણ સર્વે કરવાનો નિર્ણય બેઠકમાં લેવાયો છે. આ ઉપરાંત શહેર તથા જિલ્લામાં ચીકનનું વેચાણ કરતી દુકાનોમાં પણ તપાસ કરાશે. કોરોના બાદ વધુ એક વાયરસે દસ્તક દેતાં લોકોના સ્વાસ્થય સામે ખતરો ઉભો થયો છે. ખાસ કરીને મરઘીનું માંસ ખાનારા લોકોએ સાવધ રહેવાની હાલના તબકકે ખાસ જરૂરીયાત છે.

Next Story