Connect Gujarat
Featured

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચુંટણી પહેલાં “કેપ્ટન” શોધવા કોંગ્રેસની કવાયત, અનેક નામો ચર્ચામાં

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચુંટણી પહેલાં “કેપ્ટન” શોધવા કોંગ્રેસની કવાયત, અનેક નામો ચર્ચામાં
X

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો પર થયેલાં પરાજય બાદ હવે કોંગ્રેસ હાઇ કમાન્ડે પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતા બદલવા માટેનું મન બનાવી લીધું છે. કોંગ્રેસે બંને પદો માટે નવા મુરતિયા શોધવાની કવાયત હાથ ધરી છે.

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થતાં નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું ધરી દીધું છે. પ્રદેશ પ્રમુખ તરીકે હાર્દિક પટેલ સહિત અર્જૂન મોઢવાડિયા અને જગદીશ ઠાકોરનું નામ ચર્ચામાં આવ્યાં છે. ગુજરાતના પ્રભારીએ રાજીવ સાતવે હારનો રીપોર્ટ તૈયાર કર્યો છે અને બંને નેતાઓના રાજીનામા સાથે તેઓ દીલ્હી પહોંચ્યાં છે. ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓ યોજાઇ રહી છે. ગત ચુંટણીમાં પાટીદાર અનામત આંદોલનનો ભરપુર ફાયદો કોંગ્રેસને મળ્યો હતો.

ગામડાના લોકોએ ભાજપને જાકારો આપ્યો હતો. આવા સંજોગોમાં કોંગ્રેસ હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે. પણ જો અનુભવના આધારે પસંદગી કરવામાં આવશે તો અર્જુન મોઢવાડીયા અને જગદીશ ઠાકોરના નામ ચર્ચામાં છે. આ ઉપરાંત એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ તરીકે ઇન્દ્રવિજયસિંહ ગોહિલની માંગણી કરી છે. હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો નવો કેપ્ટન કોને બનાવવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાઇ છે. બીજી તરફ રાજ્યના પ્રભારી રાજીવ સાતવના પ્રભારી તરીકેના સમય દરમિયાન જ કોંગ્રેસના 20થી વધુ ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોને સાચવવામાં અમિત ચાવડા-પરેશ ધાનાણી જ નહીં, રાજીવ સાતવ પણ નિષ્ફળ રહ્યા હોવાનું હાઇ કમાન્ડ માની રહયું છે.

Next Story