Connect Gujarat
Featured

ભરૂચ : ખાલસા પંથના સ્થાપક ગુરુ ગોવિંદસિંહજીની આજે 354મી જન્મજયંતિ, ગુરુવાણી સહિત લંગરનું આયોજન

ભરૂચ : ખાલસા પંથના સ્થાપક ગુરુ ગોવિંદસિંહજીની આજે 354મી જન્મજયંતિ, ગુરુવાણી સહિત લંગરનું આયોજન
X

ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ગુરુદ્વારા ખાતે શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહજીની આજરોજ 354મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જોકે કોરોના મહામારીના કારણે શીખ સમુદાય દ્વારા પ્રકાશ પર્વની સાદગીભર ઉજવણી કરાઇ હતી.

બુધવારના રોજ શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહજીની જન્મજયંતિ દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ ગોવિંદસિંહ જીનો જન્મ બિહારની રાજધાની પટણામાં થયો હતો. તેમનું જીવન પરોપકારી અને બલિદાનનું જીવંત ઉદાહરણ છે. તેઓએ તેમના અનુયાયીઓને માનવતા, શાંતિ, પ્રેમ, કરુણા, એકતા અને સમાનતા શીખવી હતી. શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદસિંહે ઇ.સ. 1699માં વૈશાખીના દિવસે ખાલસા પંથની સ્થાપના કરી હતી. તેમનું જીવન અન્યાય, અધર્મ, અત્યાચાર અને દમન સામે લડતા લડતા પસાર થયું હતું.

દેશભરમાં શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહજીની 354મી જન્મજયંતિ નિમિત્તે શીખ સમુદાય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ગુરુદ્વારા ખાતે શીખ સમુદાય દ્વારા જન્મોત્સવની સાદગીભર ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે શીખ સમુદાયના લોકો ગોવિંદસિંહજીની જન્મજયંતિને પ્રકાશ પર્વ તરીકે મનાવી ઉત્સાહભેર ઉજવણી કરતાં હોય છે, ત્યારે આ વર્ષે કોરોના મહામારીના કારણે સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કસક વિસ્તાર સ્થિત ગુરુદ્વારા ખાતે સત્સંગ-કીર્તન સહિત ગુરુવાણીનો પાઠ કરવામાં આવ્યો હતો. તો સાથે જ લંગરનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

Next Story