• વ્યાજખોરો માટે લાલબત્તી સમાન કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

  • સાકેત ફાયનાન્સના સંચાલકને કોર્ટનો લપડાક

  • વ્યાજ અને મુદ્દલ ચૂકવ્યા બાદ પણ ચેક રિટર્નનો કેસ કર્યો હતો

  • એડવોકેટ નિકુંજ કાનાણીની ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી

  • કોર્ટે આરોપી મહિલાને તમામ આરોપોમાંથી  નિર્દોષ જાહેર કર્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી ઉંચા વ્યાજે નાણાં ધીરતા વ્યાજખોરો માટે કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે.વ્યાજખોરીના આ ચક્રવ્યૂહમાં ફસાયેલી એક મહિલાને કોર્ટે નિર્દોષ જાહેર કરી ન્યાય અપાવ્યો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત સાકેત ફાયનાન્સના અવધેશ શુક્લાએ અમિષાબેન નરહરિભાઈ મોદી સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2021માં અમિષાબેને પોતાની આર્થિક જરૂરિયાત માટે અવધેશ શુક્લા પાસેથી 1.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.

આરોપી પક્ષના જણાવ્યા અનુસારઅમિષાબેને લીધેલી રકમ અને તેનું વ્યાજ સમયસર ચૂકવી દીધું હતું. આમ છતાંફાઇનાન્સર અવધેશ શુક્લાએ સુરક્ષા માટે રાખેલા ચેકનો દુરુપયોગ કરી બેંકમાં ડિપોઝિટ કર્યા હતા અને ચેક બાઉન્સ થતા વર્ષ 2022માં કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે જાણવા મળ્યું કેવર્ષ 2021માં જ્યારે નાણાં ધીર્યા ત્યારે ફરિયાદી પાસે નાણાં ધીરધારનું લાયસન્સ જ નહોતું. કેસ દાખલ કર્યા બાદ લાયસન્સ રજૂ કરી કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.એ.ચૌહાણની કોર્ટમાં આ કેસ ચાલવા પર આવ્યો હતો. જેમાં બચાવ પક્ષના એડવોકેટ નિકુંજ ડી. કાનાણીએ ધારદાર અને કાયદેસરની દલીલો રજૂ કરી હતી. તેમણે સાબિત કર્યું કે રકમની ચુકવણી થઈ ગઈ હોવા છતાં ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે. કોર્ટે એડવોકેટ નિકુંજ કાનાણીની દલીલોને ગ્રાહ્ય રાખી અમિષાબેન મોદીને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા છે. આ ચુકાદો એવા તત્વો માટે લાલબત્તી સમાન છે જેઓ લાયસન્સ વગર કે કાયદાની મર્યાદા બહાર જઈને લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે.