Connect Gujarat
ગુજરાત

ભરુચ : ફુરજા રથયાત્રામાં થયેલ પથ્થરમારાનો મામલો, પોલીસે 8 આરોપીઓની કરી ધરપકડ

ભરુચ : ફુરજા રથયાત્રામાં થયેલ પથ્થરમારાનો મામલો, પોલીસે 8 આરોપીઓની કરી ધરપકડ
X

ભરૂચના ફુરજા વિસ્તારમાં નીકળેલ રથયાત્રા દરમિયાન થયેલ કાંકરીચાળાના બનાવમાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તમામ આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભરુચ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

ગત તા. ૪ જુલાઇના રોજ ભરૂચના ફુરજા વિસ્તારમાં આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરેથી પૌરાણિક ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી. જય જગન્નાથના નાદ સાથે નીકળેલ આ રથયાત્રામાં ભોઇ સમાજના આગેવાનો સહિત ભરુચ શહેરની ધર્મપ્રેમી જનતા પણ જોડાઈ હતી. મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો રથયાત્રા દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. ઢોલ નગારા સાથે વાજતે ગાજતે રથયાત્રા ફુરજા વિસ્તારના મોટા ચાર રસ્તા પાસે પહોચી ત્યારે કોઈ ક અસમાજિક તત્વોએ પથ્થર ફેંકતા એક સમયે ભાગદોડ મચી ગઈ હતી. જે બાદ હાજર પોલીસ કાફલાએ સમય સૂચકતા વાપરી ભગવાન જગન્નાથજીના રથ સહિત રથયાત્રાને નિયત રૂટ ઉપર આગળ ધપાવવા માટે જણાવ્યુ હતું.

ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ફુરજા વિસ્તારના મોટા ચાર રસ્તા ખાતે પહોચી હતી ત્યારે ત્યાં હાજર રથયાત્રામાં જોડાયેલ ભક્તો અને પોલીસ કાફલા ઉપર કેટલાક અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતાં માહોલ ગરમાયો હતો. પથ્થરમારો થતાં કેટલાક લોકો આમને સામને આવી ગયા હતા. પથ્થરમારા બાદ વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે નહીં તે માટે પોલીસ દ્વારા બળ વાપરી આ ટોળાઓનો વિખેર કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને તેના નિયત કરેલ માર્ગ ઉપર સંપન્ન કરાવેલ હતી.

સમગ્ર ઘટનામાં ભરુચ પોલીસ દ્વારા આ બનાવની તપાસ હાથ ધરવામાં આવતા બી’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. રથયાત્રા દરમિયાન થયેલ કાંકરીચાળાના બનાવમાં વિડિયો ક્લિપિંગ તેમજ ફુરજા વિસ્તારમાં પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી તેઓના નિવેદનના આધારે આ ગુન્હામાં સંડોવાએલ ટોળા પૈકી કુલ ૮ જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

આજરોજ આ બનાવના તમામ આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભરુચ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં મહમદ સીદ્દીક ગુલામ મહમદ અમિન શૈખ, મોહસીનખાન એહશાનખાન, એહબાઝખાન એહશાનખાન પઠાણ, જબ્બાર ગુલામ મક્દુમ શૈખ, શૈખ મોઈન ઇકબાલ નામના આરોપીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત આ બનાવમાં ૩ આરોપીઓ કિશોરવયના જણાઈ આવતા તેઓને જુવેનાઇલ કોર્ટમાં હાજર કરવામાં આવશે.

Next Story