/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/maxresdefault-133.jpg)
ભરૂચ શહેરના કબીરપુરા તેમજ બરાનપુરા ખત્રીવાડ વિસ્તારમાં વસતા 300થી વધુ ખત્રી પરિવારોએ દબદબાપૂર્વક પારંપારિક તહેવાર કાજરા ચોથની ઉજવણી કરાઇ હતી.આ દિવસે ખત્રી સમાજના યુવાનો શણગારેલા કાજરાની પૂજા-અર્ચના કરી તેને ઢોલ, નગારાના નાંદ સાથે ભરૂચ નિલકંઠ નજીક આવેલ પૌરાણિક જુનિ સિંધવાઇ માતાજીના મંદિરે લઇ જઈ માતાજી પાસે કાજરાને નમાવી, નચાવી કબીરપુરા તથા બરાનપુરા ખત્રીવાડના ઘરે-ઘરે કાજરાને નચાવી અંતે માં નર્મદાના પવિત્ર જળમાં વિસર્જીત કરવામાં આવે છે.
શાસ્ત્રોમાં થયેલ ઉલ્લેખ મુજબ આદીકાળમાં ભગવાન પરશુરામ ક્ષત્રિઓને પૃથ્વી પરથી નેસ્તો-નાબુદ કરવાની જીદ સાથે નીકળ્યા હતા.પરશુરામ એક પછી એક ક્ષત્રિઓનો વધ કરતા આવતા હોય, બાકીના ક્ષત્રિયો ભયભીત થઈ ઉઠયા હતા.અને ક્ષત્રિયો પોતાનો જીવ બચાવવા હિંગલાજ માતાના શરણે જાય છે. હિંગલાજ માતાને પરશુરામની જીદની સઘળી હકિકત વર્ણવી ખત્રિઓને બચાવી લેવા માતાજીને આજીજી કરે છે. જેથી હિંગલાજ માતાએ ખત્રીઓને શરણ આપી, પરશુરામને શાંત પાડી,તેમને સમજાવી તેમના કોપથી ક્ષત્રિઓને બચાવીને જીવતદાન બક્ષે છે. આ દિવસથી ક્ષત્રિયો અપ્રતંશ થઈ ખત્રીઓ કહેવાયા.
ભરૂચ શહેરમાં વસતા ૩૦૦થી વધુ ખત્રી પરિવારો સહિત સમગ્ર ખત્રી સમાજ શ્રાવણવદ ચોથના દિવસને કાજરાચોથ તરીકે ધામધૂમથી ઉજવે છે.બળેવ પહેલાની શ્રાવણ સુદ અગિયારસના રોજ ઉગાડેલ જવારાની ટોપલીને બાજઠ ઉપર મુકી તેને નાડાછડી, ચુંડદી, તાંબાનોલોટો મુકી, ફૂલહાર ચઢાવી શણગારે છે.
આ કાજરાને હર્ષોલ્લાસ પૂર્વક ઢોલ-નગારાના તાલ સાથે નચાવતા અને સંગીતના તાલે ઝુમતા ભરૂચ ખાતે નિલકંઠ સ્થીત પૌરાણિક જૂની સિંધવાઇ માતાજી મંદિરે લઈ જઈ માતાજીના ચરણો પાસે તેને નમાવી પરંપરા મુજબ કાજરાને નચાવતા શોભાયાત્રા સ્વરૂપે ભરૂચના કબીરપુરા, બરાનપુરા, ખત્રીવાડમાં લઈ જવાય છે અને ત્યાં વસતા ખત્રીસમાજના લોકોના ઘરે-ઘરે લઈ જઈ ઘરની સામે કાજરાને નચવવામાં આવે છે. સંધ્યાકાળે આ કાજરાને નર્મદાજળમાં વિધિવત રીતે વિસર્જિત કરી, ખત્રીવાડ સ્થીત હિંગળાજ માતાજીના મંદિરે પરંપરા મુજબ પૂજન-અર્ચન કરી ભંડારો યોજવામાં આવે છે.