/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/10182926/2222-e1594385988125.jpeg)
ભરૂચ જિલ્લા નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી ચૂંટણી સહકારી કાયદાની કલમ-22 તથા કલમ-28 અન્વયે દરેક મતદારને સમાન મતના અધિકારનો અમલ કરી કાર્યવાહી હાથ ધરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ચાસવાડ તાલુકા નેત્રંગ વાયા અંકલેશ્વર જિલ્લા ભરૂચના સહકારી કાયદા હેઠળ નોંધાયેલી સહકારી મંડળી છે. જે કુલ 40 જેટલા ગામોનું કાર્યક્ષેત્ર ધરાવે છે. મંડળી પ્રાથમિક કક્ષાની સહકારી મંડળી છે અને સહકારી કાયદા અન્વયે નિર્દિષ્ટ સહકારી મંડળી નથી. કામકાજ અને વહીવટની કાયદેસરની દેખરેખ રાખવા અને અનિયમિત કામકાજ ઉપર તાત્કાલિક પગલાં લેવા અને મંડળીને જરૂરી સૂચના આપવાની જિલ્લા કલેક્ટરને સત્તા આપવામાં આવી છે. દરેક પ્રાથમિક પ્રકારની સહકારી મંડળીમાં સહકારી કાયદાની કલમ-22 અન્વયે દરેક સભાસદે ગમે તેટલા શેર ધારણ કર્યા હોય તેમ છતાં દરેકને એક મત આપવાનો અધિકાર હોય છે. આ મંડળી ફેડરલ પ્રકારની નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળી ન હોવાથી ડેલીગેટ પ્રથાનો અમલ કરાવવાનો રહેતો નથી. સહકારી કાયદાની કલમ-73 અને નિયમ 15 અનુસાર તથા સહકારી ટ્રીબ્યુનલ એન્ડ નામદાર હાઈકોર્ટના અવલોકન અનુસાર કોઈ પણ મંડળીમાં ડેલીગેટ પ્રથા હોય તો તે તમામ રદ્દ કરવા પાત્ર છે.
વધુમાં આ મંડળીમાં અગાઉના વર્ષમાં દરેક ગામના સભાસદો પૈકી રૂપિયા 100 શેરથી ઓછી સંખ્યાના શેર ધારણ કરનાર સભાસદોની યાદી અલગ બહાર પાડી તેવા સભાસદો સમૂહમાંથી એક ડેલિગેટ નક્કી કરવાની ફરજ પાડવામાં આવે છે. તેના કારણે ઓછા શેરધારક આદિવાસી સભાસદોને પોતાના પ્રતિનિધિઓ મોકલવા માટે અન્યાય થઇ રહ્યો છે. એટલું જ નહીં પણ તેવી પ્રથા સહકારી કાયદા મુજબ ખોટી અને ગેરકાયદેસર છે. જેને લઇને તમામ સભાસદોને એક સમાન મત અધિકાર રહે તે માટે સન્માન મતદાર યાદી જાહેર કરી મંડળી ચાલુ વર્ષની ચૂંટણી કરે તે પ્રકારની કાર્યવાહી કરવા માટે નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.