Connect Gujarat
Featured

ભરૂચ : પાલિકાએ વેરામાં કર્યો વધારો, જુઓ શું કહી રહયાં છે સ્થાનિકો અને સત્તાધીશો

ભરૂચ : પાલિકાએ વેરામાં કર્યો વધારો, જુઓ શું કહી રહયાં છે સ્થાનિકો અને સત્તાધીશો
X

ભરૂચ નગરપાલિકાએ હાઉસટેકસ અને પાણી વેરામાં કરેલાં વધારા સાથે ગરીબ અને મધ્યમવર્ગના લોકોમાં રોષ જોવા મળી રહયો છે. લોકડાઉનમાં ધંધો- રોજગાર છીનવાઇ જતાં ગરીબો વેરો ભરી શકે તેવી સ્થિતિમાં નથી. આવા સંજોગોમાં વિપક્ષે વેરામાં 50 ટકાની રાહત આપવામાં આવે તેવી માંગણી કરી છે…….

રાજયમાં કોરોના વાયરસે ફરીથી ઉથલો માર્યો છે ત્યારે ભરૂચમાં હાઉસ ટેકસ અને પાણી વેરામાં કરાયેલાં વધારાના કારણે જનઆક્રોશ જોવા મળી રહયો છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું કહેવું છે કે, લોકડાઉનના કારણે ધંધા અને રોજગાર બંધ રહયાં હતાં. આવકના સાધનો નહિ હોવાથી તેઓ વેરો ભરવા માટે અસમર્થ છે. નગરપાલિકા ગરીબ લોકોની સ્થિતિને ધ્યાનમાં રાખી વેરામાંથી માફી આપે અથવા વેરાની રકમમાં ઘટાડો કરે તે જરૂરી છે….

બીજી તરફ વિપક્ષના નેતા શમશાદઅલી સૈયદે જણાવ્યું હતું કે, નગરપાલિકા સત્તાધીશોએ જયારે વેરામાં વધારો કર્યો ત્યારે લોકોને વધારે સુવિધા મળશે તેવો વાયદો કર્યો હતો પણ હાલ સુવિધાના નામે મીંડુ છે. કોરોનાના કારણે 10 ટકા રીબેટ યોજનાનો લાભ પણ મિલકતધારકોને મળ્યો નથી. અમારી માંગણી છે કે, નગરપાલિકા વેરાની રકમમાં 50 ટકાનો ઘટાડો કરે તથા મિલકતધારકોને રીબેટ યોજનાનો લાભ આપે.

વેરાની રકમ બાબતે થયેલાં વિવાદ સંદર્ભમાં નગરપાલિકાના પ્રમુખ સુરભિ તમાકુવાલાએ જણાવ્યું હતું કે, પહેલી એપ્રિલ 2018ના રોજથી અમલમાં આવેલી રકમ મુજબ જ મિલકતધારકોએ વેરો ભરવો પડશે. નગરપાલિકાએ તમામ કાર્યવાહી નિયમ અનુસાર જ કરી છે.

Next Story