Connect Gujarat
Featured

ભરૂચ : પટેલ સોસાયટીનું ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓ વિના સુનું, સોશિયલ ડિસ્ટન્સ સાથે માઈભક્તોએ કરી જગદંબાની આરાધના

ભરૂચ : પટેલ સોસાયટીનું ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓ વિના સુનું, સોશિયલ ડિસ્ટન્સ સાથે માઈભક્તોએ કરી જગદંબાની આરાધના
X

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ લોકોના હાલ બેહાલ કર્યા છે. જેના પગલે અનેક ધાર્મિક તહેવારો ઉપર પણ રોક લાગી છે, ત્યારે મા જગદંબાની આરાધનાના પર્વ આસો નવરાત્રિને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જોકે સરકારની ગાઈડલાઈન મુજબ માઈભક્તો માતાજીની આરાધના કરી રહ્યા છે. કોરોનાના કારણે આસો નવરાત્રિ પણ ફિક્કી પડી ગઈ છે. ગરબા આયોજકો માત્ર માતાજીની સ્થાપના કરી સાદગીપૂર્વક પૂજા-અર્ચના કરી રહ્યા છે.

ભરૂચ શહેરની ભૃગુપુર પટેલ સોસાયટી કે જે છેલ્લા ૪૦ વર્ષથી ગરબાનું આયોજન કરે છે. જોકે અહીનું ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ભરપૂર રહેતું હતું, જે તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના કારણે ખેલૈયાઓ વિના સૂનું પડી ગયું છે. જોકે કેટલાય ખેલૈયાઓ ગરબા રમવાની આશાએ આવી રહ્યા છે, પરંતુ ગરબાનું આયોજન ન હોવાના કારણે વિલા મોઢે પરત ફરવા મજબૂર બન્યા છે.

ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, ખેલૈયાઓ ગરબા રમવાની આશાથી આવી રહ્યા છે. પરંતુ સરકારની ગાઈડલાઈન મુજબ ગરબાનું આયોજન કરવામાં આવ્યું નથી. ગરબા ગ્રાઉન્ડમાં ધાર્મિક વિધિ મુજબ માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. સૌપ્રથમ ગ્રાઉન્ડને સેનેટાઈઝ કર્યા બાદ એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સ રાખી સવાર-સાંજ માતાજીની આરતી કરવામાં આવે છે. તદુપરાંત ગ્રાઉન્ડના પ્રવેશદ્વાર નજીક સિક્યુરિટીને સેનીટાઇઝર સાથે તૈનાત કરાયા છે.

જેથી આરતીમાં આવતા ભક્તોના હાથ સેનીટાઇઝર કરાવવા સાથે ગ્રાઉન્ડમાં લોકો અંતર જાળવી રાખે તે માટે ખાસ ગોળ સર્કલ બનાવવામાં આવ્યા છે. તો સાથે સાથે માતાજીની આરતી થયા બાદ પ્લાસ્ટિકની થેલીમાં પ્રસાદનું પેકિંગ કરી વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે વહેલી તકે સમગ્ર વિશ્વ કોરોનામુક્ત થાય અને ભારત સહિત વિશ્વ પુનઃ ધમધમતું બને તેવી માઈભક્તો દ્વારા જગદંબાને પ્રાર્થના કરવામાં આવી રહી છે.

Next Story