Connect Gujarat
Featured

ભરૂચ: નવી વસાહતથી રેલ્વે ગોદીને જોડતા માર્ગનું તંત્ર દ્વારા સમારકામ શરૂ કરાતા સ્થાનિકોનો વિરોધ

ભરૂચ: નવી વસાહતથી રેલ્વે ગોદીને જોડતા માર્ગનું તંત્ર દ્વારા સમારકામ શરૂ કરાતા સ્થાનિકોનો વિરોધ
X

ભરૂચની નવી વસાહતથી રેલ્વે ગોદીને જોડતા માર્ગનું નગરપાલિકા દ્વારા સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જો કે તંત્ર દ્વારા ગટર લાઇનની કામગીરી અધૂરી છોડી દેવામાં આવતા ઉભરાતી ગટરોના કારણે માર્ગ પુન:બિસ્માર બનશેના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ નોધાવ્યો હતો.

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર સાતમા આવેલ નવી વસાહત નજીકનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો. આ માર્ગ પરથી અનેક વાહનો પસાર થાય છે જો કે ખોડિયાર માતાના મંદિર નજીક ગટર અને પાણીની લાઇન વારંવાર લીકેજ થતી હોવાના કારણે માર્ગ પર સમયાંતરે મસ મોટા ખાડા પડી જાય છે અને વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. જેના પગલે તંત્ર દ્વારા આ માર્ગનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.

જો કે સ્થાનિકોએ આ કામગીરીનો વિરોધ નોધાવ્યો છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર તંત્રએ પહેલા ગટર લાઇનનું કામ કરવું જોઈએ કારણ કે ગટરના પાણીથી માર્ગ ફરીથી બિસ્માર બનશે અને ખુલ્લી ગટરમાં વારંવાર પશુઓ તેમજ વાહન ખબકે છે ત્યારે પહેલા ગટરની કામગીરી પૂર્ણ કરી બાદમાં માર્ગનું સમારકામ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે અને માંગ ન સંતોષાય ત્યાં સુધી માર્ગનું કામ અટકાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story