ભરૂચ : સરકારનો છાત્રો પાસે ફી નહિ લેવાનો પરિપત્ર, સ્વનિર્ભર શાળાઓએ ઓનલાઇન શિક્ષણ પર લગાવી બ્રેક

New Update
ભરૂચ : સરકારનો છાત્રો પાસે ફી નહિ લેવાનો પરિપત્ર, સ્વનિર્ભર શાળાઓએ ઓનલાઇન શિક્ષણ પર લગાવી બ્રેક

ગુજરાતમાં કોરોના વાયરસના કહેરના કારણે જયારથી શાળાઓ બંધ થઇ છે અને જયાં સુધી શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ પાસેથી શાળાઓ ફી નહી લઇ શકે તેવા સરકારના પરિપત્ર બાદ સ્વનિર્ભર શાળા સંચાલકોમાં રોષ ભભુકી ઉઠયો છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે માર્ચ મહિનાથી શાળાઓ તથા કોલેજો બંધ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે સ્વનિર્ભર શાળાઓએ સ્વ ખર્ચથી ઓનલાઇન શિક્ષણની સુવિધા શરૂ કરી હતી. વર્ગખંડમાં શિક્ષકો રાબેતા મુજબ શિક્ષણ કાર્ય કરાવતાં હતાં અને તેને વિવિધ માધ્યમો થકી વિદ્યાર્થીઓ સુધી પહોંચતું હતું. આના કારણે વિદ્યાર્થીઓ ઘરે સલામત વાતાવરણમાં અને શાંતચિત્તથી અભ્યાસ કરી શકતાં હતાં.

રાજય સરકારે બહાર પાડેલા એક પરિપત્રના કારણે સમગ્ર ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા ઠપ થઇ ચુકી છે. કોરોનાના કારણે જયારથી શાળાઓ બંધ થઇ છે અને જયાં સુધી શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી ફી નહિ લઇ શકે તેવો આદેશ સરકારે કર્યો છેે. પરિપત્રમાં જણાવાયું છે, કોરોના મહામારી દરમ્યાન સ્વનિર્ભર શાળાઓએ ફી ઉધરાવી નહીં તેમજ ઓનલાઈન શિક્ષણએ વાસ્તવિક શિક્ષણ ગણાતું નથી. જેથી આ સમયની ફી પણ સ્વનિર્ભર શાળા ઉધરાવી શકશે નહી.

સરકારના આદેશ પ્રમાણે સ્વનિર્ભર શાળાઓ ફી નહિ લે તો શિક્ષકો અને સ્ટાફનો પગાર કેવી રીતે કરશે તે એક મોટો સવાલ છે. સરકારના નિર્ણયના વિરોધમાં સ્વનિર્ભર શાળાઓએ ગુરૂવારથી ઓનલાઇન શિક્ષણ બંધ કરી દીધું છે. જેમાં ભરૂચ જિલ્લાની સ્વનિર્ભર શાળાના સંચાલકો પણ જોડાયાં છે. તેમણે સરકાર વહેલી તકે પરિપત્ર પાછો ખેંચે તેવી માંગણી કરી છે. જયાં સુધી સરકાર પરિપત્ર પાછો નહિ ખેંચે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની પણ જાહેરાત કરાય છે…..