/connect-gujarat/media/post_banners/e1766d133d5fcf17060018f1b45762177355589112d2b94e43b7bde229777fa2.jpg)
સમગ્ર રાજ્યમાં ખેડૂતોને વર્ષો જુના રેકોર્ડ ઓનલાઈન જોઈ શકાય તે હેતુથી મહેસુલી રેકોર્ડને અપલોડ કરવાની કામગીરી ચાલી રહી છે. જેના ભાગરૂપે વાગરાના મામલતદારની દેખરેખ હેઠળ તાલુકાના ૭૧ મહેસુલી ગામોના ૧૯૫૧ અને તેથી પહેલાના ઉપલબ્ધ ૭/૧૨ના રેકોર્ડને ઓનલાઈન કરવાની કામગીરી રાત દિવસ કરવામાં આવી રહી છે. ૭/૧૨ની હસ્તલિખિત નકલોનું સ્કેનિંગ અને અપડેટિંગ પૂર્ણ થયુ છે અને હાલમાં વેરિફિકેશનનું કામ ચાલુ છે.
મહેસુલી રેકોર્ડની ઓનલાઈન પ્રક્રિયા ઓછા સમયમાં પૂર્ણ થાય તે માટે જ્યુબિલન્ટ કંપનીની ટેકનોલોજીથી સજ્જ અને ૨૦ કોમ્પ્યુટરવાળી ડિજિટલ બસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ૧૭ દિવસથી ડિજિટલ બસ સરકારી કામમાં રોકાતા નકલો અપલોડ કરવાની પ્રક્રિયા વધુ ઝડપી બની છે. હસ્તલિખિત નકલો ઓનલાઈન કરવા મામલતદાર કચેરીના તમામ વિભાગના કર્મીઓ,રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રીઓ અને જનસેવા કેન્દ્રના ઓપરેટરો કામે લાગ્યા છે.